મોબાઇલ ગ્રાહકોના ખિસ્સા પર વધુ ભાર પડી શકે છે. ડિસેમ્બરથી ટેલિકોમ કંપનીઓ મોબાઇલ ટેરિફમાં 15 ટકા સુધીનો વધારો કરે તેવી શક્યતા છે. બ્રોકરેજ ફર્મના અંદાજ મુજબ, વધતા ડેટા વપરાશ છતાં કંપનીઓની ગ્રાહક દીઠ આવકમાં તે પ્રમાણમાં વધારો થયો નથી, જ્યારે નેટવર્ક, સ્પેક્ટ્રમ અને 5G પાછળનો ખર્ચ સતત વધી રહ્યો છે.
એરટેલે પહેલેથી જ વધાર્યા પોસ્ટપેડના ભાવ
ટેરિફ વધારાની વચ્ચે એરટેલે પોસ્ટપેડ પ્લાનમાં રૂ.50 સુધીનો વધારો કર્યો છે. કંપનીએ તમામ પોસ્ટપેડ પ્લાન સાથે વર્ષમાં એક વખત ફ્રી ઇન્ટરનેશનલ રોમિંગની સુવિધા શરૂ કરી છે. હવે વ્યક્તિગત ગ્રાહકો માટે પોસ્ટપેડ પ્લાનની શરૂઆત રૂ.499થી થશે. એરટેલે રૂ.299નો શરૂઆતનો અનલિમિટેડ ડેટા પ્લાન પણ દૂર કર્યો છે.
જિયો, એરટેલ અને વીઆઈની અલગ રણનીતિ
જિયો: જિયો પ્રાઇમ સભ્યપદ ફરી શરૂ કરીને વધારાની આવક મેળવવા પર ભાર મૂકી રહ્યું છે. જિયોના ટેરિફમાં ફેરફાર થાય તો તેની અસર સમગ્ર બજાર પર જોવા મળી શકે છે.
એરટેલ: સસ્તા પ્લાન દૂર કરીને ગ્રાહકોને વધુ કિંમતવાળા રિચાર્જ તરફ લઈ જવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. કંપનીનો મુખ્ય ઉદ્દેશ્ય ગ્રાહક દીઠ આવક વધારવાનો છે.
વીઆઈ: નાણાકીય દબાણ વચ્ચે કંપની માટે ટેરિફ વધારો ગ્રાહક દીઠ આવક વધારવામાં મદદરૂપ થઈ શકે છે. સાથે જ કંપનીની રોકડ સ્થિતિમાં સુધારો થવાની શક્યતા છે.
સસ્તા પ્લાન ઘટતાં ગ્રાહકો પર વધશે બોજ
ટેલિકોમ કંપનીઓ હવે માત્ર ગ્રાહકોની સંખ્યા વધારવા કરતાં દરેક ગ્રાહક પાસેથી થતી આવક વધારવા પર વધુ ધ્યાન આપી રહી છે. આ માટે સસ્તા રિચાર્જ પ્લાન મર્યાદિત કરવામાં આવી રહ્યા છે અને ગ્રાહકોને વધુ કિંમતવાળા પેક તરફ વાળવામાં આવી રહ્યા છે. જો ડિસેમ્બરમાં 15 ટકા સુધીનો ટેરિફ વધારો થાય તો મોબાઇલ રિચાર્જનો માસિક ખર્ચ પણ નોંધપાત્ર રીતે વધી શકે છે.









