‘મેં 8 યુદ્ધો બંધ કરાવ્યા, જે કોઈ કરી શક્યું નથી’: નોબેલ શાંતિ પુરસ્કારની જાહેરાત પહેલાં ટ્રમ્પનો દાવો

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે નોબેલ શાંતિ પુરસ્કારને લઈને ફરી એકવાર પોતાનો દાવો રજૂ કર્યો છે. ટ્રમ્પે વિશ્વમાં 8 યુદ્ધો અને વિવાદો ઉકેલવામાં પોતાની ભૂમિકા હોવાનો દાવો કરતાં કહ્યું કે તેમણે એવા કામ કર્યા છે, જે અગાઉ કોઈ રાષ્ટ્રપતિ કરી શક્યા નથી. આ નિવેદન આ વર્ષના નોબેલ શાંતિ પુરસ્કારની જાહેરાત પહેલાં આવ્યું છે.

બુધવારે એક કાર્યક્રમ દરમિયાન ટ્રમ્પે કહ્યું હતું કે, “મેં એવા કામ કર્યા છે જે ભૂતકાળમાં કોઈ કરી શક્યું નથી. હું બડાઈ નથી હાંકી રહ્યો, પરંતુ તમને વાસ્તવિકતા જણાવી રહ્યો છું. કદાચ જ કોઈ રાષ્ટ્રપતિએ યુદ્ધો ઉકેલ્યા હશે, જ્યારે મેં 8 યુદ્ધો શાંત કરાવ્યા છે.”

ટ્રમ્પના દાવા મુજબ, ભારત-પાકિસ્તાન, ઈઝરાયેલ-ઈરાન, કંબોડિયા-થાઈલેન્ડ, સર્બિયા-કોસોવો અને આર્મેનિયા-અઝરબૈજાન સહિતના દેશો વચ્ચેના તણાવને ઘટાડવામાં તેમની ભૂમિકા રહી છે. ટ્રમ્પે એમ પણ સંકેત આપ્યો છે કે વિશ્વમાં શાંતિ સ્થાપવાના તેમના પ્રયાસો હજુ પૂર્ણ થયા નથી અને તેઓ ભવિષ્યમાં વધુ એક વૈશ્વિક સંઘર્ષનો અંત લાવી શકે છે.

નોબેલ શાંતિ પુરસ્કાર માટે ટ્રમ્પનું નામ ચર્ચામાં

નોબેલ શાંતિ પુરસ્કારને લઈને ટ્રમ્પ અગાઉ પણ અનેક વખત પોતાની દાવેદારી વ્યક્ત કરી ચૂક્યા છે. ઈઝરાયેલ, પાકિસ્તાન અને કંબોડિયાના નેતાઓ દ્વારા 2026ના નોબેલ શાંતિ પુરસ્કાર માટે ટ્રમ્પના નામનું નામાંકન કરવામાં આવ્યું હોવાના અહેવાલો છે. જોકે, નોર્વેજિયન નોબેલ સમિતિ વ્યક્તિગત નામાંકનોની સત્તાવાર યાદી જાહેર કરતી નથી.

નોબેલ શાંતિ પુરસ્કારની જાહેરાત પહેલાં ટ્રમ્પનું આ નિવેદન ફરી એકવાર ચર્ચામાં આવ્યું છે.

Leave a Comment

और पढ़ें