ઉત્તરાખંડના પ્રસિદ્ધ કેચી ધામમાં શ્રદ્ધાળુઓ અને પ્રવાસીઓની સતત વધતી ભીડે પહાડી વિસ્તારની ‘કેરિંગ કેપેસિટી’ સામે ગંભીર પડકાર ઊભો કર્યો છે. ખાસ કરીને ‘હનુમાન અંશ’ ફિલ્મની બમ્પર સફળતા બાદ દેશ-વિદેશમાંથી મોટી સંખ્યામાં લોકો કેંચી ધામ અને આસપાસના વિસ્તારોમાં પહોંચી રહ્યા છે. જેના કારણે વીકેન્ડ દરમિયાન હાઈવે પર કલાકો સુધી ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ રહી છે.
નિષ્ણાતોના મતે, પહાડી વિસ્તારોમાં પ્રવાસીઓની સંખ્યા જો ત્યાં ઉપલબ્ધ પાણી, રસ્તા, પાર્કિંગ, સીવેજ અને કચરા વ્યવસ્થાપન જેવી પ્રાથમિક સુવિધાઓની ક્ષમતા કરતાં અનેકગણી વધી જાય તો તેની સીધી અસર પર્યાવરણ પર પડે છે. સતત વધતો આ બોજ ભવિષ્યમાં નાની કુદરતી કે માનવસર્જિત ઘટનાને પણ મોટી આપદામાં ફેરવી શકે છે.
ઓક્ટોબરના પ્રથમ અઠવાડિયામાં 1.60 લાખથી વધુ વાહનોની એન્ટ્રી
ઉત્તરાખંડ પરિવહન વિભાગના આંકડા અનુસાર, ઓક્ટોબરના પ્રથમ અઠવાડિયામાં જ 1.60 લાખથી વધુ વાહનો રાજ્યની સીમામાં પ્રવેશ્યા હતા. પ્રવાસીઓ અને વાહનોની આટલી મોટી સંખ્યાને કારણે નૈનિતાલ, કેંચી ધામ સહિત સમગ્ર હિમાલયી વિસ્તારમાં ટ્રાફિક, કચરો, પાણી અને પાર્કિંગ જેવી સમસ્યાઓ વધુ ગંભીર બની રહી છે.
નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ અર્બન અફેર્સના સંશોધન મુજબ, પહાડી વિસ્તારોની કુદરતી અને માળખાકીય ક્ષમતા મર્યાદિત હોય છે. જ્યારે કોઈ સ્થળે તેની મૂળભૂત સુવિધાઓ જેટલા પ્રવાસીઓને સંભાળી શકે તેના કરતાં બમણા કે ત્રણ ગણા લોકો એકસાથે પહોંચે છે, ત્યારે પર્યાવરણ અને સ્થાનિક વ્યવસ્થા પર અસહ્ય દબાણ સર્જાય છે.
નૈનિતાલની વાસ્તવિક કેરિંગ કેપેસિટી માત્ર 8,422 પ્રવાસી
નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ અર્બન અફેર્સ દ્વારા નૈનિતાલની ‘કેરિંગ કેપેસિટી’ અંગે કરવામાં આવેલા સંશોધનમાં ચોંકાવનારા તારણો સામે આવ્યા છે. અહેવાલ મુજબ, કાગળ પર નૈનિતાલ દરરોજ 8.34 લાખ લોકોને સમાવવાની સૈદ્ધાંતિક ક્ષમતા ધરાવે છે. જોકે, ભૂસ્ખલનનું જોખમ અને પહાડી વિસ્તારની સંવેદનશીલતાને ધ્યાનમાં લેવામાં આવે ત્યારે આ ક્ષમતા ઘટીને લગભગ 1.49 લાખ લોકો રહી જાય છે.
આ ઉપરાંત પીવાના પાણીની ઉપલબ્ધતા, સીવેજ નેટવર્ક, કચરા વ્યવસ્થાપન અને પાર્કિંગ જેવી વાસ્તવિક સુવિધાઓને ધ્યાનમાં લેતાં નૈનિતાલની વાસ્તવિક દૈનિક કેરિંગ કેપેસિટી માત્ર 8,422 પ્રવાસીઓ જેટલી હોવાનું સંશોધનમાં જણાવાયું છે.
વધુ પ્રવાસીઓ એટલે હિમાલય પર વધુ જોખમ
કેરિંગ કેપેસિટી કરતાં વધુ પ્રવાસીઓનો બોજ સતત વધતો રહે તો પહાડી વિસ્તારોમાં તેની ગંભીર પર્યાવરણીય અસરો થઈ શકે છે. વધુ વાહનવ્યવહારથી ટ્રાફિક અને પ્રદૂષણ વધવા ઉપરાંત પાણીની અછત, સીવેજની સમસ્યા અને કચરાના અયોગ્ય નિકાલ જેવી સમસ્યાઓ પણ વકરી શકે છે.
નિષ્ણાતોના મતે, અનિયંત્રિત પ્રવાસનને કારણે ભૂસ્ખલનનું જોખમ વધવા, સ્થાનિક જૈવવિવિધતા અને વન સંપત્તિને નુકસાન થવા તથા કુદરતી સંસાધનો પર વધારાનું દબાણ આવવાની શક્યતા છે. તેથી નૈનિતાલ અને કેંચી ધામ પૂરતું નહીં, સમગ્ર હિમાલયી વિસ્તારમાં પ્રવાસન માટે વૈજ્ઞાનિક રીતે નક્કી કરાયેલી કેરિંગ કેપેસિટીનું પાલન કરવું જરૂરી બની રહ્યું છે.









