પીએમ મોદીના જાહેરજીવનના 25 વર્ષ પૂર્ણ : દિલ્હીના વિનાયક મંદિરમાં પૂજા-અર્ચના કરી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જાહેરજીવનની સફરે આજે 25 વર્ષ પૂર્ણ કર્યા છે. 7 ઓક્ટોબર 2001ના રોજ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શપથ લઈને શરૂ થયેલી તેમની રાજકીય સફર હવે વડાપ્રધાન પદ સુધી પહોંચી છે. હાલ તેઓ વડાપ્રધાન તરીકે ત્રીજા કાર્યકાળમાં સેવા આપી રહ્યા છે.
આ ઐતિહાસિક પ્રસંગે વડાપ્રધાન મોદીએ દિલ્હીના સિદ્ધિ વિનાયક મંદિરમાં ભગવાન ગણેશની પૂજા-અર્ચના કરી આશીર્વાદ લીધા હતા. આ મંદિર દક્ષિણ ભારતીય સમુદાય સાથે લાંબા સમયથી જોડાયેલું છે અને તેની સ્થાપના 1950માં થઈ હોવાનું જણાવાય છે.
ગુજરાતના મુખ્યમંત્રી તરીકે સફરની શરૂઆત
7 ઓક્ટોબર 2001ના રોજ નરેન્દ્ર મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે જવાબદારી સંભાળી હતી. તે સમયે ગુજરાત વિવિધ પડકારોમાંથી પસાર થઈ રહ્યું હતું. ભૂકંપ, દુષ્કાળ અને રાજકીય અસ્થિરતા જેવી પરિસ્થિતિ વચ્ચે તેમને રાજ્યની જવાબદારી સોંપવામાં આવી હતી.
ગુજરાતના મુખ્યમંત્રી તરીકે લાંબા સમય સુધી કાર્ય કર્યા બાદ 2013માં ભાજપે તેમને લોકસભા ચૂંટણી માટે વડાપ્રધાન પદના ઉમેદવાર જાહેર કર્યા હતા. ત્યારબાદ 2014માં તેઓ પ્રથમ વખત દેશના વડાપ્રધાન બન્યા અને શપથ લીધા હતા. ત્યારથી તેઓ સતત કેન્દ્ર સરકારનું નેતૃત્વ કરી રહ્યા છે.
દેશભરમાં ‘સેવા અને જનભાગીદારી’ના કાર્યક્રમો
પીએમ મોદીના જાહેરજીવનના 25 વર્ષ પૂર્ણ થવાના અવસરે ભાજપ અને કેન્દ્ર સરકાર દ્વારા દેશભરમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. સેવા અને જનભાગીદારી સાથે જોડાયેલા કાર્યક્રમો દ્વારા આ અવસરને ઉજવવાની યોજના બનાવવામાં આવી છે.
દિલ્હીમાં પણ ‘સેવા જ્યોતિ’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. કાર્યક્રમને ધ્યાનમાં રાખીને દિલ્હીના કેટલાક મુખ્ય માર્ગો પર ટ્રાફિક વ્યવસ્થામાં ફેરફાર અને પ્રતિબંધો પણ લાગુ કરવામાં આવ્યા છે.
કેન્દ્રીય કેબિનેટે અભિનંદન પ્રસ્તાવ પસાર કર્યો
પીએમ મોદીના 25 વર્ષના જાહેરજીવનના આ મહત્વપૂર્ણ પડાવ પર કેન્દ્રીય મંત્રીમંડળે 6 ઓક્ટોબરે અભિનંદન પ્રસ્તાવ પસાર કર્યો હતો. પ્રસ્તાવમાં ગુજરાતના મુખ્યમંત્રીથી લઈને દેશના વડાપ્રધાન સુધીની તેમની રાજકીય સફર, નેતૃત્વ અને શાસનનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.
આ સાથે કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓ, નીતિઓ અને સુધારાઓનો પણ પ્રસ્તાવમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. 25 વર્ષના જાહેરજીવનના આ અવસરને ભાજપ દ્વારા દેશભરમાં વિવિધ સેવા અને જનભાગીદારીના કાર્યક્રમો સાથે જોડવામાં આવી રહ્યો છે.








