મેમરી ચિપ સહિતના વિવિધ કોમ્પોનન્ટ્સના ભાવમાં વધારાને કારણે સ્માર્ટફોન અને અન્ય ઈલેક્ટ્રોનિક્સ પ્રોડક્ટ્સ મોંઘા બન્યા છે. તેની સીધી અસર વેચાણ પર જોવા મળી રહી છે. હવે તહેવારોની સિઝનમાં વેચાણને ફરી વેગ આપવા માટે ઈલેક્ટ્રોનિક્સ કંપનીઓ અને ઈ-કોમર્સ પ્લેટફોર્મ્સે નો-કોસ્ટ EMIનો સમયગાળો વધારીને 18થી 30 મહિના સુધી કરવાનો વિકલ્પ આપવાનું શરૂ કર્યું છે.
અત્યાર સુધી મોંઘા સ્માર્ટફોન, ટીવી અને અન્ય ઈલેક્ટ્રોનિક્સ પ્રોડક્ટ્સ માટે સામાન્ય રીતે 9થી 12 મહિનાની નો-કોસ્ટ EMI આપવામાં આવતી હતી. પરંતુ છેલ્લા એક વર્ષમાં મેમરી ચિપના ભાવમાં વધારાને કારણે સ્માર્ટફોનની કિંમતમાં અંદાજે 30થી 35 ટકા સુધીનો વધારો થયો છે. બીજી તરફ ટીવી, ફ્રિજ, એસી અને વોશિંગ મશીન જેવી વસ્તુઓ પણ મોંઘી બની છે.
ભાવ વધ્યા, વેચાણમાં ઘટાડો
2026માં સ્માર્ટફોનની કિંમતોમાં 30થી 35 ટકા, ટીવીમાં 8થી 10 ટકા અને ફ્રિજ-એસીમાં આશરે 10થી 12 ટકા સુધીનો વધારો નોંધાયો છે. ભાવ વધારાની અસર વેચાણ પર પણ પડી છે.
સ્માર્ટફોનના વેચાણમાં આશરે 12 ટકા, જ્યારે ટીવીના વેચાણમાં લગભગ 8 ટકા સુધીનો ઘટાડો નોંધાયો હોવાનું જણાવાયું છે. આવી સ્થિતિમાં કંપનીઓ હવે ગ્રાહકોને લાંબા સમયની નો-કોસ્ટ EMIની સુવિધા આપી ખરીદી સરળ બનાવવાનો પ્રયાસ કરી રહી છે.
સેમસંગથી લઈને શાઓમી સુધીની કંપનીઓની ઓફર
સેમસંગ, વીવો, રિયલમી, શાઓમી અને ઓપ્પો જેવી કંપનીઓ બજેટ અને મિડ-રેન્જ સ્માર્ટફોન પર પણ લાંબા સમયની નો-કોસ્ટ EMI ઓફર કરી રહી છે. અગાઉ આ કેટેગરીના ફોન પર આવી સુવિધા મર્યાદિત હતી અથવા EMIનો સમયગાળો માત્ર 6થી 12 મહિના સુધી રહેતો હતો.
સેમસંગ પોતાના ફોલ્ડેબલ ફોન પર 30 મહિના સુધીની, જ્યારે વીવો પ્રીમિયમ સ્માર્ટફોન પર 24થી 30 મહિના સુધીની નો-કોસ્ટ EMI ઓફર કરી રહી છે. હાયર દ્વારા પસંદગીના પ્રોડક્ટ્સ પર 24 મહિના સુધીની, જ્યારે શાઓમી અને રિયલમીના બજેટ તથા મિડ-રેન્જ ફોન પર 18 મહિના સુધીની નો-કોસ્ટ EMIનો વિકલ્પ આપવામાં આવી રહ્યો છે.
નો-કોસ્ટ EMI એટલે શું?
નો-કોસ્ટ EMIમાં ગ્રાહકને લોનની રકમ પર અલગથી વ્યાજ ચૂકવવું પડતું નથી. સામાન્ય રીતે આ પ્રકારની ઓફરમાં ફાઇનાન્સિંગનો ખર્ચ કંપની અથવા વેચાણકર્તા તરફથી ઉઠાવવામાં આવે છે, જેથી ગ્રાહક મોટી કિંમતની વસ્તુની ખરીદી લાંબા સમયગાળામાં હપ્તા દ્વારા કરી શકે.
તહેવારોમાં EMIથી ખરીદી વધવાની શક્યતા
ઈ-કોમર્સ પ્લેટફોર્મ્સ પર હાલમાં આશરે 33 ટકા ઈલેક્ટ્રોનિક્સ ખરીદી EMI દ્વારા થતી હોવાનું જણાવાય છે. તહેવારોની સીઝનમાં આ પ્રમાણ વધીને 50 ટકા સુધી પહોંચવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
કંપનીઓને આશા છે કે લાંબા સમયની નો-કોસ્ટ EMIથી માસિક હપ્તો ઓછો થશે અને ઊંચા ભાવ હોવા છતાં ગ્રાહકો સ્માર્ટફોન, ટીવી અને અન્ય મોંઘી ઈલેક્ટ્રોનિક્સ વસ્તુઓ ખરીદવા માટે પ્રોત્સાહિત થશે.








