મુંબઈઃ ગુજરાતની જાણીતી સ્નેક્સ ઉત્પાદક કંપની બાલાજી વેફર્સ દેશની લોકપ્રિય સ્નેક્સ બ્રાન્ડ ‘ક્રેક્સ’ની માલિકી ધરાવતી નોઈડા સ્થિત DFM Foodsને ખરીદવાની રેસમાં આગળ આવી છે. આ સંપાદન માટે બાલાજી વેફર્સ ઉપરાંત અનેક મોટી FMCG કંપનીઓ અને વૈશ્વિક પ્રાઈવેટ ઈક્વિટી ફંડ્સ પણ દાવેદારી કરી રહ્યા છે.
DFM Foodsમાં મુખ્ય પ્રમોટર અને વૈશ્વિક પ્રાઈવેટ ઈક્વિટી ફંડ Advent Internationalનો આશરે 96.63 ટકા હિસ્સો છે. હવે આ હિસ્સો વેચીને કંપનીમાંથી બહાર નીકળવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. બજારના નિષ્ણાતો અને નાણાકીય વર્તુળોના અંદાજ મુજબ સમગ્ર સોદાનું મૂલ્ય આશરે રૂ.5,000 કરોડથી રૂ.5,500 કરોડ વચ્ચે રહી શકે છે.
બાલાજી વેફર્સ ઉપરાંત અનેક દિગ્ગજ કંપનીઓની નજર
DFM Foodsને ખરીદવાની રેસમાં બાલાજી વેફર્સ ઉપરાંત સ્વીડિશ પ્રાઈવેટ ઈક્વિટી ફંડ EQT, Emami, ITC તેમજ TPG અને ChrysCapital જેવા મોટા વૈશ્વિક ફંડ્સ પણ સામેલ થયા છે. તમામ સંભવિત ખરીદદારો પાસેથી ઓક્ટોબરના અંત સુધીમાં પ્રાથમિક બોલીઓ મંગાવવામાં આવનાર છે.
Advent Internationalએ વર્ષ 2019માં WestBridge Capital પાસેથી DFM Foods હસ્તગત કરી હતી. હાલની વેચાણ પ્રક્રિયા માટે Adventએ Avendus Capital અને EYને સલાહકાર તરીકે નિયુક્ત કર્યા છે. કંપનીની ખરીદી પ્રક્રિયા ડિસેમ્બર 2026 સુધીમાં પૂર્ણ કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો હોવાનું જણાવાય છે.
ચંદુભાઈ વીરાણીએ વાટાઘાટોને સમર્થન આપ્યું
બાલાજી વેફર્સના સ્થાપક અને મેનેજિંગ ડિરેક્ટર ચંદુભાઈ વીરાણીએ DFM Foodsમાં રોકાણની સંભાવનાને સમર્થન આપતાં જણાવ્યું છે કે, “અમે DFM Foodsમાં હિસ્સો ખરીદીને બિઝનેસ વિસ્તારવાની શક્યતાઓ ગંભીરતાથી ચકાસી રહ્યાં છીએ.”
જનરલ એટલાન્ટિકના રોકાણ બાદ બાલાજીનું વેલ્યુએશન વધ્યું
આ વર્ષે જાન્યુઆરીમાં અમેરિકન પ્રાઈવેટ ઈક્વિટી ફંડ General Atlanticએ બાલાજી વેફર્સમાં રૂ.2,500 કરોડનું રોકાણ કરીને આશરે 7 ટકા હિસ્સો હસ્તગત કર્યો હતો. આ રોકાણ બાદ બાલાજી વેફર્સનું વેલ્યુએશન આશરે રૂ.35,000 કરોડ સુધી પહોંચ્યું હોવાનું જણાવાયું હતું.
મજબૂત નાણાકીય સ્થિતિના પગલે બાલાજી વેફર્સ હવે દેશના અન્ય વિસ્તારોમાં પણ પોતાનો સ્નેક્સ બિઝનેસ વિસ્તરણ કરવા તરફ આગળ વધી રહી છે. DFM Foodsનું સંભવિત સંપાદન કંપનીને ખાસ કરીને ઉત્તર અને પૂર્વ ભારતના બજારોમાં પોતાની હાજરી વધારવામાં મદદરૂપ થઈ શકે છે.
‘ક્રેક્સ’ સહિત અનેક લોકપ્રિય બ્રાન્ડ્સ DFM Foods હેઠળ
વર્ષ 1984થી સ્નેક્સ ક્ષેત્રમાં કાર્યરત DFM Foods ‘Crackz’, ‘Curls’, ‘Fritts’ અને ‘Natkhat’ જેવી લોકપ્રિય બ્રાન્ડ્સ હેઠળ બટેટાની ચિપ્સ, રિંગ્સ અને વિવિધ નમકીનનું ઉત્પાદન કરે છે. કંપનીના ઉત્પાદનો ખાસ કરીને બાળકો અને યુવા ગ્રાહકોમાં લોકપ્રિય છે.
તાજેતરના રેગ્યુલેટરી ફાઇલિંગ મુજબ, નાણાકીય વર્ષ 2025-26માં DFM Foodsનું ચોખ્ખું વેચાણ રૂ.916 કરોડ રહ્યું હતું, જે અગાઉના નાણાકીય વર્ષના રૂ.705.8 કરોડની સરખામણીએ નોંધપાત્ર વધારો દર્શાવે છે.
DFM Foodsના સંપાદનથી બાલાજી વેફર્સ સહિતની કંપનીઓને પ્રાદેશિક બજારોમાં પોતાની પહોંચ મજબૂત કરવાની અને ખાસ કરીને ઉત્તર તથા પૂર્વ ભારતના યુવા ગ્રાહકો સુધી ઝડપથી પહોંચ વધારવાની તક મળી શકે છે.








