ઇટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોનીએ પોતાના અવાજના દુરુપયોગ અને AI દ્વારા થતા ડીપફેકથી બચવા માટે અવાજને ટ્રેડમાર્ક કરાવવા અરજી કરી છે. મેલોનીએ 5 ઓક્ટોબરે યુરોપિયન યુનિયન ઈન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી ઓફિસ (EUIPO)માં આ અરજી કરી હતી. હાલ આ અરજી તપાસ હેઠળ છે.
અરજી સાથે મેલોનીના અવાજનું આશરે 4 સેકન્ડનું ઑડિયો રેકોર્ડિંગ પણ રજૂ કરવામાં આવ્યું છે. તેમાં તેઓ ઇટાલિયન ભાષામાં બે વખત ‘Io sono Giorgia Meloni’, એટલે કે ‘હું જ્યોર્જિયા મેલોની છું’ કહે છે. આ વાક્ય મેલોનીની જાહેર રાજકીય ઓળખ સાથે પણ જોડાયેલું છે અને તેમની 2021ની આત્મકથાના નામ તરીકે પણ વપરાયું હતું.
થોડા સેકન્ડના અવાજથી બની શકે છે AI ક્લોન
આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સની મદદથી હવે કોઈ વ્યક્તિના અવાજની નકલ કરવી સરળ બની રહી છે. AIને વ્યક્તિના અવાજના સેમ્પલ આપવામાં આવે ત્યારે તે અવાજનો ટોન, ઉચ્ચાર, બોલવાની લય અને ઉતાર-ચઢાવ જેવા લક્ષણોનું વિશ્લેષણ કરી શકે છે.
ત્યારબાદ આ ટેક્નોલોજી એવી નવી ઑડિયો ક્લિપ બનાવી શકે છે જેમાં વ્યક્તિએ વાસ્તવમાં ક્યારેય ન કહેલા શબ્દો પણ તેના જ અવાજમાં સંભળાય. થોડા સેકન્ડનું રેકોર્ડિંગ પણ વૉઇસ ક્લોનિંગ માટે ઉપયોગી બની શકે છે, જોકે વધુ કુદરતી અને ચોક્કસ નકલ માટે સામાન્ય રીતે વધુ ઑડિયો ડેટા મદદરૂપ થાય છે.
આવી ટેક્નોલોજીનો દુરુપયોગ કરીને રાજકારણીઓ, કલાકારો અથવા સામાન્ય લોકોના અવાજમાં ખોટા નિવેદનો બનાવી તેને સોશિયલ મીડિયા પર અસલી તરીકે ફેલાવી શકાય છે.
મેલોની અગાઉ પણ ડીપફેકનો ભોગ બની ચૂક્યાં છે
જ્યોર્જિયા મેલોની માટે AI ડીપફેકનો મુદ્દો નવો નથી. 2024માં તેમના ચહેરાનો ઉપયોગ કરીને નકલી અશ્લીલ ડીપફેક વીડિયો બનાવવામાં આવ્યા હતા, જેને ઓનલાઈન ફેલાવવામાં આવ્યા હતા. આ મામલે મેલોનીએ કોર્ટમાં 1 લાખ યુરોના વળતરની માંગ કરી હતી.
આ ઘટનાને પગલે ડીપફેક ટેક્નોલોજીના દુરુપયોગ અને ખાસ કરીને મહિલાઓ સામે તેના ઉપયોગ અંગે પણ ચર્ચા તેજ થઈ હતી. મેલોનીની હાલની વૉઇસ-ટ્રેડમાર્ક અરજી પણ AI દ્વારા તેમના અવાજની નકલ કરીને ખોટી સામગ્રી તૈયાર થવાના જોખમ સામે કાનૂની સુરક્ષાનું વધારાનું સાધન ઊભું કરવાનો પ્રયાસ છે.
ટ્રેડમાર્કથી શું ફાયદો થશે?
અવાજને ટ્રેડમાર્ક કરાવવાથી AI દ્વારા બનાવવામાં આવતી દરેક નકલી ઑડિયો ક્લિપ આપમેળે ગેરકાયદેસર બની જશે એવું નથી. જોકે, ચોક્કસ ઉત્પાદનો અને સેવાઓના સંદર્ભમાં તેમના અવાજના અનધિકૃત ઉપયોગ સામે કાનૂની કાર્યવાહી માટે વધારાનું આધાર મળી શકે છે.
મેલોનીનું આ પગલું AIના વધતા ઉપયોગ વચ્ચે જાહેર વ્યક્તિઓની ડિજિટલ ઓળખ, અવાજ અને પ્રતિષ્ઠાના રક્ષણ માટે કાનૂની વ્યવસ્થા કેવી રીતે બદલાઈ રહી છે તેનો એક મહત્વપૂર્ણ દાખલો બની રહ્યું છે.








