મધ્યસ્થીઓ મારફતે અમેરિકા-ઈરાન વચ્ચે વાટાઘાટો ચાલુ, હોર્મુઝ ખોલવા ઈરાનની શરતો પર ચર્ચા
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી દાવો કર્યો છે કે ઈરાન સાથે ચાલી રહેલું યુદ્ધ “ખૂબ જલ્દી” ખતમ થઈ શકે છે. ટ્રમ્પે કહ્યું કે અમેરિકા અને ઈરાન વચ્ચે મધ્યસ્થીઓ મારફતે વાતચીત ચાલી રહી છે અને તેના પરિણામે હોર્મુઝ વિવાદનો પણ ઉકેલ આવી શકે છે.
તાજેતરમાં ઈરાને સાત દિવસની દરખાસ્ત રજૂ કરી છે, જેમાં અમેરિકી નૌકાદળની નાકાબંધી હટાવવી, પ્રતિબંધોમાં રાહત અને જપ્ત કરાયેલા ઈરાની ભંડોળને મુક્ત કરવા જેવી શરતો સામેલ છે. તેના બદલામાં ઈરાને હોર્મુઝ જળમાર્ગ ફરી ખોલવાની અને પરમાણુ મુદ્દે વાટાઘાટો શરૂ કરવાની વાત કરી છે.
ઈરાનના વિદેશમંત્રી અબ્બાસ અરાઘચી ન્યૂયોર્કમાં કતારી મધ્યસ્થીઓ સાથે મળ્યા હતા. કતાર દ્વારા ઈરાનની નવી દરખાસ્ત અમેરિકન પક્ષ સુધી પહોંચાડવામાં આવી રહી છે. પાકિસ્તાન સહિત અન્ય મધ્યસ્થીઓ મારફતે પણ સંદેશાવ્યવહાર ચાલી રહ્યો હોવાનું અહેવાલોમાં જણાવાયું છે.
જોકે, બંને દેશો વચ્ચે હજુ મુખ્ય મુદ્દાઓ પર મતભેદ યથાવત છે. ખાસ કરીને ઈરાનના પરમાણુ કાર્યક્રમ અંગે અમેરિકા સ્પષ્ટ શરતો મૂકી રહ્યું છે, જ્યારે હોર્મુઝ ફરી ખોલવા પહેલાં ઈરાન પોતાની શરતો સ્વીકારવાની માંગ કરી રહ્યું છે. તેથી હાલમાં કોઈ અંતિમ સમજૂતી થઈ નથી.









