રાજકોટ: શહેરના તિરૂપતીનગર વિસ્તારમાં રહેતા 63 વર્ષીય સોફ્ટવેર ઈજનેર સાયબર ઠગાઈનો ભોગ બન્યા છે. ઈન્સ્ટાગ્રામ પર અજાણ્યા પેજ મારફતે સંપર્કમાં આવેલા શખ્સોએ ‘વેલ્યુ ટ્રેડ’ એપ્લિકેશન દ્વારા ફોરેક્સ ટ્રેડિંગમાં મોટો નફો કમાવવાની લાલચ આપી ફરિયાદી પાસેથી કુલ ₹12 લાખ પડાવી લીધા હતા.
ફરિયાદી નવીનચંદ્ર રતનસી ચાવડા સોફ્ટવેર ડેવલપમેન્ટનું કામ કરે છે અને જી.ટી. શેઠ હોસ્પિટલમાં ઓર્થોપેડિક સાધનોના વિભાગની જવાબદારી પણ સંભાળે છે. 3 ઓગસ્ટે ઈન્સ્ટાગ્રામ પર એક અજાણ્યું પેજ ખોલ્યા બાદ બીજા દિવસે 7066657182 નંબર પરથી શિવમ નામના શખ્સનો ફોન આવ્યો હતો. તેણે એક લિંક મોકલી ‘વેલ્યુ ટ્રેડ’ એપ ડાઉનલોડ કરાવી હતી.
એપમાં નફો બતાવી વધુ રોકાણ કરાવ્યું
આરોપીઓએ વોટ્સએપ મારફતે ફરિયાદી પાસેથી નામ, ઈ-મેલ, બેંક ખાતાની વિગતો સહિતની માહિતી મેળવી હતી. શરૂઆતમાં ₹1,000 અને ત્યારબાદ ₹49,000 ટ્રાન્સફર કરાવ્યા બાદ એપમાં રોકાણ સામે નફો દેખાડવામાં આવ્યો હતો. આથી વિશ્વાસમાં આવેલા ફરિયાદીને શિવમ અને પ્રતીક નામના શખ્સોએ વધુ રોકાણ કરવા માટે સતત પ્રોત્સાહિત કર્યા હતા.
27 ઓગસ્ટે વધુ ₹6 લાખ રોકવાની માગણી કરવામાં આવી હતી. સાથે જ 25 હજાર ડોલરનું બોનસ મળવાની લાલચ આપવામાં આવી હતી. ફરિયાદીએ વધુ પૈસા ન હોવાનું જણાવતાં ₹1.50 લાખ જમા કરાવવાથી 2,500 ડોલરનું બોનસ આપવાની વાત કરવામાં આવી હતી.
પૈસા ઉપાડવા જતાં વધુ રકમ માગી
એપમાં મોટો નફો દેખાડવામાં આવતા ફરિયાદીએ આશરે 35 હજાર ડોલર ઉપાડવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ રકમ બેંક ખાતામાં જમા થઈ નહોતી. ત્યારબાદ આરોપીઓએ વિડ્રો પેમેન્ટ મેળવવા માટે કંપનીના શેરના 10 ટકા મુજબ આશરે ₹3.50 લાખ વધુ જમા કરાવવા જણાવ્યું હતું. બાદમાં ₹2 લાખ જમા કરાવવાની પણ માગણી કરી હતી.
ફરિયાદી મુજબ 12 ઓગસ્ટથી 27 ઓગસ્ટ 2026 દરમિયાન કુલ 7 બેંક ટ્રાન્ઝેક્શન મારફતે ₹12 લાખ અલગ-અલગ બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. બાદમાં રોકાણની રકમ કે એપમાં દર્શાવાતો નફો પરત ન મળતાં સાયબર ક્રાઈમ પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી.
સાયબર ક્રાઈમ પોલીસે બેંક એકાઉન્ટ ધારકો તેમજ શિવમ, પ્રતીક સહિતના શખ્સો સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. આરોપીઓને ઝડપી પાડવા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.









