ભારતના 80મા સ્વાતંત્ર્ય દિવસની ઉજવણીમાં લાલ કિલ્લા પર ઐતિહાસિક ક્ષણ સર્જાઈ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ધ્વજારોહણ બાદ પ્રથમ વખત ‘વંદે માતરમ’નું સંપૂર્ણ સંસ્કરણ વગાડવામાં આવ્યું અને ત્યારબાદ રાષ્ટ્રગાન ‘જન ગણ મન’ની ધૂન ગુંજી.
વંદે માતરમના 150 વર્ષ પૂર્ણ થવાના અવસરે આ પ્રસંગનું વિશેષ મહત્વ રહ્યું. તિરંગો ફરકાવતાની સાથે જ 105 મિમી લાઇટ ફીલ્ડ ગનથી 21 તોપોની સલામી આપવામાં આવી અને આર્મી બેન્ડે વંદે માતરમની ધૂન વગાડી.
સમારોહ દરમિયાન ભારતીય વાયુસેનાના બે Mi-17 હેલિકોપ્ટરોએ લાલ કિલ્લા પર પુષ્પવર્ષા કરી. એક હેલિકોપ્ટર પર તિરંગો જ્યારે બીજા પર ‘વંદે માતરમ’ લખાયેલો ધ્વજ લહેરાતો જોવા મળ્યો.
વંદે માતરમની ગુંજ, તોપોની સલામી અને આકાશમાંથી પુષ્પવર્ષા સાથે લાલ કિલ્લા પરનો સ્વાતંત્ર્ય દિવસનો સમારોહ યાદગાર બની ગયો.








