પેકેટ ફૂડ પર ચેતવણી લેબલ મુદ્દે સુપ્રીમ કોર્ટ સખ્તઃ સરકાર નિર્ણય નહીં લે તો કોર્ટ જારી કરશે માર્ગદર્શિકા

નવી દિલ્હીઃ વધુ પડતી ખાંડ, મીઠું અને સેચ્યુરેટેડ ફેટ ધરાવતા પેકેજ્ડ ફૂડ પર ચેતવણી લેબલ લગાવવાના મુદ્દે નિર્ણય લેવામાં વિલંબ થતાં સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર અને FSSAIને સખત ટકોર કરી છે.

જસ્ટિસ જે.બી. પારડીવાલા અને કે. વિનોદ ચંદનની બેન્ચે કહ્યું કે જો સરકાર આ મામલે નિર્ણય લેવામાં નિષ્ફળ રહેશે તો સુપ્રીમ કોર્ટ પોતે જ માર્ગદર્શિકા જાહેર કરશે. કોર્ટે ખાસ કરીને બાળકો સહિત નાગરિકોના સ્વાસ્થ્યને લઈને ચિંતા વ્યક્ત કરી હતી.

કોર્ટે કેન્દ્ર સરકારને સવાલ કર્યો કે અગાઉના નિર્દેશો છતાં પેકેટ ફૂડ પર પોષણ સંબંધિત કડક ચેતવણી લાગુ કરવામાં સરકાર કેમ ખચકાઈ રહી છે. સુનાવણી દરમિયાન ASG બ્રિજેન્દ્ર ચહરને કોર્ટે એવો સવાલ પણ કર્યો કે શું સરકાર મોટા કોર્પોરેટ જૂથોના દબાણ હેઠળ છે?

સરકારની દલીલ ફગાવી

કેન્દ્ર સરકાર તરફથી દલીલ કરવામાં આવી હતી કે કડક ચેતવણી લેબલ લાગુ કરવાથી નમકીન જેવા પરંપરાગત ભારતીય ખાદ્ય પદાર્થો પર પણ મીઠું અને ચરબીની માત્રાના આધારે ‘લાલ ચેતવણી’ લગાવવી પડી શકે છે.

સરકાર તરફથી એવો તર્ક પણ રજૂ થયો કે બે ઈંડા ખાવાથી પણ દૈનિક નિર્ધારિત ફેટની મર્યાદા પાર થઈ શકે છે.

કોર્ટે આ દલીલને ફગાવી દેતાં કહ્યું કે આવી બાબતોના કારણે સરકારને લોકોને ખોરાક અને પોષણ અંગે જાગૃત કરતા રોકી શકાય નહીં.

વેપારી નફા કરતાં લોકોનું સ્વાસ્થ્ય મહત્વનું

સુપ્રીમ કોર્ટે FSSAIને સવાલ કર્યો કે શું ખાદ્ય ઉત્પાદકોનો વ્યાપારી નફો લોકોના સ્વાસ્થ્ય કરતાં વધુ મહત્વનો હોઈ શકે?

ઉત્પાદકો તરફથી વરિષ્ઠ વકીલ મનિંદર સિંહે રજૂઆત કરી કે ઉત્પાદકો નીતિ નક્કી કરી શકે નહીં. જ્યારે વરિષ્ઠ વકીલ દેવદત્ત કામતે સૂચન કર્યું કે ખાદ્ય પદાર્થોને અલગ-અલગ કેટેગરીમાં વહેંચી શકાય અને દરેક પ્રોડક્ટમાં રહેલી પોષણ સંબંધિત માહિતી સ્પષ્ટ રીતે દર્શાવવી જોઈએ.

સુપ્રીમ કોર્ટે સમગ્ર મામલે સરકારના વલણ પર નારાજગી વ્યક્ત કરતાં સ્પષ્ટ કર્યું કે જો સરકાર યોગ્ય નિર્ણય નહીં લે તો નાગરિકોના સ્વાસ્થ્યના હિતમાં કોર્ટ પોતે જરૂરી માર્ગદર્શિકા જાહેર કરી શકે છે.

Leave a Comment

और पढ़ें