મોરબીઃ અણીયારી ચોકડી પાસે ગૌરક્ષકો અને પોલીસે સંયુક્ત કાર્યવાહી કરી કતલખાને લઈ જવાતા 2 ભેંસ અને 2 પાડાને બચાવી લીધા છે. બોલેરો ગાડીમાં અબોલજીવોને ક્રૂરતાપૂર્વક બાંધીને લઈ જવાતા હોવાનું સામે આવ્યું હતું.
મળતી માહિતી મુજબ, માળિયા-હળવદ હાઇવે પર અણીયારી ચોકડી પાસેથી GJ-12-CT-8399 નંબરની બોલેરો પસાર થઈ રહી હતી. ગૌરક્ષકોએ પોલીસની હાજરીમાં વાહન રોકાવી તપાસ કરતાં તેમાં બે ભેંસ અને બે પાડા મળી આવ્યા હતા. અબોલજીવો માટે ઘાસચારો કે પાણીની પણ કોઈ વ્યવસ્થા કરવામાં આવી નહોતી.
આ મામલે મોરબી તાલુકા પોલીસમાં ધવલભાઈ કિશોરભાઈ વાગડિયાની ફરિયાદના આધારે આફ્રિદી હતામહમદભાઈ જત અને સદામ હાફુડાભાઈ જત સામે કાર્યવાહી કરવામાં આવી છે.
પોલીસે અબોલજીવો અને બોલેરો સહિત આશરે રૂ.10.10 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. બંને આરોપીઓને ઝડપી લઈ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
રાજપર ચોકડી પાસે જૂની અદાવતમાં યુવક પર હુમલો
મોરબીની રાજપર ચોકડી પાસે જૂની અદાવતને લઈને યુવક સાથે મારામારીની ઘટના પણ સામે આવી છે. ટંકારા તાલુકાના સજનપર ગામના લાખાભાઈ વજાભાઈ કલોતરાએ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં મેરૂભાઈ જીવણભાઈ ખાંભલા અને અજય મેરૂ ખાંભલા સામે ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદ મુજબ, અજય ખાંભલા અગાઉ ફરિયાદીની ભત્રીજીને ભગાડી ગયો હતો. આ ઘટનાની અદાવત રાખીને બે વર્ષ બાદ રાજપર ચોકડી પાસે ફરિયાદીને ગાળો આપી ઢીકાપાટુનો માર મારવામાં આવ્યો હતો.
આ ઉપરાંત લોખંડના પાઇપથી હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે.
સારવાર લીધા બાદ ફરિયાદીએ પોલીસમાં ફરિયાદ નોંધાવતા મોરબી એ ડિવિઝન પોલીસે ગુનો નોંધી આરોપીઓને ઝડપી પાડવા તજવીજ શરૂ કરી છે.








