સુરતની નવી સિવિલ હોસ્પિટલની હોસ્ટેલમાં તબીબના રહસ્યમય આપઘાતના મામલામાં તપાસ દરમિયાન ચોંકાવનારો ખુલાસો થયો છે. સમગ્ર તપાસમાં રેગિંગ થયું હોવાનું સામે આવતા હોસ્પિટલ તંત્ર દ્વારા ચાર સિનિયર રેસિડેન્ટ વિદ્યાર્થીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે.
તપાસમાં ડો. નિરાલી વસાવે, ડો. અનુજ મહેશ્વરી, ડો. હિના ભૂત અને ડો. દીક્ષિતા સેસારિયન સામે રેગિંગના આક્ષેપો સામે આવ્યા છે. ચારેયને છ મહિના માટે સસ્પેન્ડ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
સસ્પેન્શનના સમયગાળા દરમિયાન ચારેય સિનિયર રેસિડેન્ટને હોસ્પિટલની કામગીરી ઉપરાંત હોસ્ટેલ અને ટીચિંગ એક્ટિવિટીમાંથી પણ દૂર રાખવામાં આવ્યા છે.
તબીબના આપઘાત બાદ શરૂ થયેલી તપાસમાં રેગિંગના મુદ્દે મહત્વની વિગતો સામે આવતા હોસ્પિટલ તંત્ર એક્શન મોડમાં આવ્યું છે. સમગ્ર મામલામાં અન્ય કોઈની સંડોવણી છે કે કેમ અને રેગિંગને કારણે તબીબ પર કોઈ પ્રકારનું દબાણ હતું કે નહીં તે અંગે પણ તપાસ કરવામાં આવી રહી છે.
આ ઘટનાએ મેડિકલ કોલેજ અને હોસ્પિટલોમાં રેગિંગની પ્રવૃત્તિ સામે કડક પગલાં લેવાની જરૂરિયાતને ફરી ઉજાગર કરી છે. નવી સિવિલ તંત્ર દ્વારા ભવિષ્યમાં આવી ઘટના ન બને તે માટે જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે.









