સુરત SOGએ બકરામંડી રોડ પરથી શિવા ઝાલા ગેંગના સાગરીત અને રીઢા ગુનેગાર શાહરૂખ ઉર્ફે સેવનને ગેરકાયદેસર રિવોલ્વર સાથે ઝડપી પાડ્યો છે. પોલીસે આરોપી પાસેથી ₹15 હજારની કિંમતની રિવોલ્વર કબજે કરી છે.
પકડાયેલા આરોપી સામે અગાઉ હત્યા, હત્યાના પ્રયાસ અને PASA સહિતના ગંભીર ગુનાઓ નોંધાયેલા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. હથિયાર સાથે ઝડપાયા બાદ આરોપી સામે ઉધના પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે.
પૂછપરછ દરમિયાન આરોપીએ જૂની અદાવતના કારણે હુમલો થવાની બીકથી આશરે 8થી 10 મહિના પહેલા એક વોન્ટેડ આરોપી પાસેથી રિવોલ્વર ખરીદી હોવાની કબૂલાત કરી હોવાનું જાણવા મળ્યું છે.
હાલ SOGએ હથિયાર વેચનાર વોન્ટેડ આરોપીની શોધખોળ શરૂ કરી છે. ઉપરાંત, જપ્ત કરાયેલી રિવોલ્વરનો અગાઉ કોઈ ગુનામાં ઉપયોગ થયો છે કે નહીં અને આરોપીના અન્ય ગુનાહિત સાગરીતો કોણ છે તે અંગે પણ તપાસ હાથ ધરવામાં આવી છે.









