રાજસ્થાનના ચુરૂ જિલ્લામાં સાદુલપુર વિસ્તારના દદરેવા ગામ નજીક કાર અને ટ્રક વચ્ચે ભયાનક અકસ્માત સર્જાયો હતો. પૂરઝડપે આવેલા ટ્રકે કારને પાછળથી જોરદાર ટક્કર મારતાં એક જ પરિવારના પાંચ સભ્યો અને કારચાલક સહિત કુલ છ લોકોનાં મોત નીપજ્યાં હતાં. જ્યારે સાત મહિનાની બાળકી ગંભીર રીતે ઘાયલ થતાં તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.
પ્રાથમિક માહિતી અનુસાર, તારાનગર વિસ્તારના સોમસીસર ગામનો પરિવાર ગોગામેડીમાં દેવીનાં દર્શન કરવા જઈ રહ્યો હતો. આ દરમિયાન દદરેવા ગામ નજીક ટ્રકે તેમની કારને પાછળથી ટક્કર મારતાં અકસ્માત સર્જાયો હતો. ટક્કર એટલી ભીષણ હતી કે કારમાં સવાર લોકોને બચવાની તક પણ મળી નહોતી.
અકસ્માાતની જાણ થતાં દદરેવા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને ઘાયલ બાળકીને તાત્કાલિક હોસ્પિટલ પહોંચાડવામાં આવી હતી. બીજી તરફ, પોલીસે ઘટનાસ્થળનું નિરીક્ષણ કરીને અકસ્માતનાં કારણોની તપાસ શરૂ કરી છે. એક જ પરિવારના પાંચ સભ્યોનાં મોતથી સોમસીસર ગામ સહિત સમગ્ર પંથકમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે.









