પંચાસર રોડ પર પોલીસનો દરોડો, 54 ગેસ સિલિન્ડર અને વાહનો સહિત રૂ.2.46 લાખનો મુદ્દામાલ કબજે; ચોથા આરોપીની શોધખોળ શરૂ
મોરબીના પંચાસર રોડ પર શિવમ હોલ પાછળ આવેલા સાગર પ્લાસ્ટિક નામના બંધ કારખાનામાં ગેરકાયદેસર ગેસ રિફિલિંગનું કૌભાંડ ઝડપાયું છે. સિટી એ ડિવિઝન પોલીસની ટીમે દરોડો પાડી ઘરેલુ ગેસ સિલિન્ડરમાંથી અન્ય સિલિન્ડરમાં ગેસ ભરવાનું જોખમી કૃત્ય ઝડપી પાડ્યું હતું. પોલીસે સ્થળ પરથી 54 ગેસ સિલિન્ડર સહિત કુલ રૂ.2,46,600નો મુદ્દામાલ કબજે કરી ત્રણ સગા ભાઈઓની ધરપકડ કરી છે. જ્યારે આ કેસમાં વધુ એક શખ્સનું નામ સામે આવતાં તેની ધરપકડ માટે તપાસ તેજ કરવામાં આવી છે.
પોલીસ પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે બંધ કારખાનામાં તપાસ હાથ ધરવામાં આવી હતી. અહીં ઇલેક્ટ્રિક મોટર, નળી અને નોઝલની મદદથી ભરેલા ગેસ સિલિન્ડરમાંથી ખાલી સિલિન્ડરમાં ગેસ રિફિલિંગ કરવામાં આવતું હતું. આ પ્રક્રિયા અત્યંત જોખમી હોવાથી આગ કે અન્ય દુર્ઘટના સર્જાવાની શક્યતા હતી. ગ્રાહકોના સિલિન્ડરમાંથી ગેસ કાઢીને અન્ય સિલિન્ડરમાં ભરવામાં આવતો હોવાની બાબત પણ તપાસ હેઠળ છે.
54 ગેસ સિલિન્ડર સહિત વાહનો કબજે
પોલીસે સ્થળ પરથી અલગ-અલગ કંપનીના 54 ગેસ સિલિન્ડર, છકડો રિક્ષા, એક્ટિવા, ઇલેક્ટ્રિક મોટર, નળી, નોઝલ, વજનકાંટો, રોકડ રકમ અને ત્રણ મોબાઇલ ફોન સહિત કુલ રૂ.2,46,600નો મુદ્દામાલ કબજે કર્યો છે.
આ કેસમાં યશ મનોજભાઈ ચૌહાણ (19), અમીર મનોજભાઈ ચૌહાણ (31) અને ધવલ મનોજભાઈ ચૌહાણ (21), ત્રણેય રહે. પારેખ શેરી, મોરબીની ધરપકડ કરવામાં આવી છે. પ્રાથમિક તપાસમાં યમુનાનગરના પ્રવીણભાઈ મનસુખભાઈ સારલાનું નામ સામે આવ્યું છે. પોલીસે ચારેય સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
બે અલગ અકસ્માતમાં મહિલાઓને ઇજા
મોરબીના નવલખી ફાટક પાસે વહેલી સવારે પગપાળા જઈ રહેલાં અમદાવાદના મણિનગરનાં ક્રિષ્નાબેન કુંદનભાઈ મારવાડી (45)ને અજાણ્યા રિક્ષાચાલકે ટક્કર મારતાં તેમને સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યાં હતાં.
બીજી તરફ, હળવદના સુંદરગઢ ગામે વસંતબેન નામનાં મહિલાને કાળા રંગની અજાણી કારના ચાલકે અડફેટે લેતાં તેમને 108 એમ્બ્યુલન્સ મારફતે ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયાં હતાં.
મધ્યપ્રદેશના અપહરણ કેસનો આરોપી સાદુરકાથી ઝડપાયો
મધ્યપ્રદેશના ધાર જિલ્લાના તિરલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં નોંધાયેલા અપહરણના ગુનાની તપાસ દરમિયાન ત્યાંની પોલીસ મોરબી પહોંચી હતી. પીએસઆઈ ફુલકુંવરસિંહ સિસોદિયા અને રવિભાઈ ખરાડીએ બાતમીના આધારે મોરબી તાલુકાના સાદુરકા ગામેથી જીવણ નંદરામ કટારા (25)ને ઝડપી પાડ્યો હતો. મૂળ મધ્યપ્રદેશનો અને હાલ સાદુરકા ખાતે રહેતો આ શખ્સ વ્યવસાયે ડ્રાઇવર હોવાનું જાણવા મળ્યું છે. ત્યારબાદ તેને વધુ તપાસ માટે મધ્યપ્રદેશ લઈ જવામાં આવ્યો છે.









