અમદાવાદથી નશાનો જથ્થો લાવી રાજકોટમાં વેચાણ કરવાની તૈયારી હતી, રૂ. 6.66 લાખનો મુદ્દામાલ જપ્ત
રાજકોટના બેડી ચોકડીથી ભગવતીપરા તરફના માર્ગ પર એસઓજીની ટીમે બાતમીના આધારે કાર્યવાહી કરી કારમાંથી 18.77 ગ્રામ એમ.ડી. ડ્રગ્સ સાથે બે શખ્સોને ઝડપી પાડ્યા હતા. પોલીસે રૂ. 53,310ની કિંમતના ડ્રગ્સ ઉપરાંત મોબાઇલ, કાર અને રોકડ સહિત કુલ રૂ. 6,66,940નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
પકડાયેલા આરોપીઓની ઓળખ મૌલિક અશોકભાઈ જેઠવા અને ગૌરાંગ અશોકભાઈ પરડવા તરીકે થઈ છે. પોલીસના જણાવ્યા અનુસાર, બંને અમદાવાદથી ડ્રગ્સનો જથ્થો લાવ્યા હતા અને રાજકોટમાં પડીકી બનાવી છૂટક વેચાણ કરવાની તૈયારીમાં હતા. જોકે, વેચાણ શરૂ કરે તે પહેલાં જ એસઓજીની ટીમે તેમને ઝડપી લીધા હતા. બંને સામે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.
દોઢ મહિના પહેલાં જ જેલમાંથી મુક્ત થયો હતો મૌલિક
પોલીસના જણાવ્યા મુજબ, મૌલિક જેઠવાને ચાલુ વર્ષે એપ્રિલ મહિનામાં પંચાયત ચોક પાસેથી 40 ગ્રામ એમ.ડી. ડ્રગ્સ સાથે ઝડપી લેવામાં આવ્યો હતો. આ કેસમાં જેલમાં રહેલો મૌલિક આશરે દોઢ મહિના પહેલાં જ મુક્ત થયો હતો. હવે ફરી ડ્રગ્સ સાથે ઝડપાતાં પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. બંને આરોપીઓ અમદાવાદથી ડ્રગ્સ ક્યાંથી લાવ્યા હતા અને આ નેટવર્કમાં અન્ય કોઈની સંડોવણી છે કે કેમ તે દિશામાં તપાસ કરવામાં આવી રહી છે.








