ક્રિકેટની બહાર પણ રોકાણકારોની નજર, ભારતમાં અન્ય રમતોનું બજાર તેજી પકડશે

ભારતીય રમત બજાર 2025માં પ્રથમ વખત 2 અબજ ડોલરને પાર, મહિલા રમતો અને નવી લીગમાં રોકાણની તકો વધી

ભારતમાં અત્યાર સુધી ક્રિકેટનું વર્ચસ્વ રહ્યું છે, પરંતુ હવે રોકાણકારો ફૂટબોલ, કબડ્ડી, વોલીબોલ, સ્ક્વોશ, પિકલબોલ અને ઈ-સ્પોર્ટ્સ જેવી અન્ય રમતો તરફ પણ નજર દોડાવી રહ્યા છે. મહિલા રમતોની વધતી લોકપ્રિયતા, ડિજિટલ પ્રસારણ અને નવી સ્પોર્ટ્સ લીગના વિસ્તરણથી રમત ક્ષેત્રમાં રોકાણની નવી તકો ઊભી થઈ રહી છે.

અહેવાલ મુજબ, વર્ષ 2025માં ભારતનું રમત બજાર પ્રથમ વખત 2 અબજ ડોલર એટલે કે આશરે રૂ. 18,864 કરોડને પાર પહોંચ્યું હતું. આ આંકડો વર્ષ 2024ની સરખામણીમાં 13.4 ટકા વધુ હતો. હવે ખાનગી રોકાણકારો લાંબા ગાળે ટકી શકે તેવા રમત માળખા, તાલીમ કેન્દ્રો, રમતગમતનાં સ્થળો અને ફ્રેન્ચાઇઝી આધારિત લીગમાં રોકાણની સંભાવનાઓ શોધી રહ્યા છે.

મહિલા રમતો અને નવી લીગ બનશે રોકાણનું નવું કેન્દ્ર

મહિલા ક્રિકેટની વધતી લોકપ્રિયતાથી મહિલા ફૂટબોલ સહિત અન્ય રમતોને પણ પ્રોત્સાહન આપવાની દિશામાં પ્રયાસો થઈ રહ્યા છે. વધુ સારી તાલીમ સુવિધાઓ, નિયમિત ટુર્નામેન્ટ અને વ્યાપક પ્રસારણથી મહિલા રમતોના દર્શકો તથા પ્રાયોજકો વધવાની સંભાવના છે. બીજી તરફ, ઓનલાઈન પ્રસારણને કારણે રમતોને વધુ દર્શકો સુધી પહોંચાડવાનું સરળ બન્યું છે.

અમદાવાદમાં કોમનવેલ્થ ગેમ્સથી રમત ક્ષેત્રને વેગની આશા

વર્ષ 2030માં અમદાવાદમાં કોમનવેલ્થ ગેમ્સનું આયોજન થવાનું હોવાથી ભારતમાં રમતગમતનાં માળખાં અને સુવિધાઓના વિકાસને વેગ મળવાની આશા છે. આ ઉપરાંત, ભારત 2036 ઓલિમ્પિકની યજમાની મેળવવા માટે પણ પ્રયત્નશીલ છે. આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓની યજમાનીની સંભાવનાઓને કારણે રમત ક્ષેત્રમાં લાંબા ગાળાના રોકાણ માટે નવી તકો ઊભી થઈ શકે છે.

Leave a Comment

और पढ़ें