ATMમાંથી રોકડ સેરવતી આંતરરાજ્ય ગેંગનો પર્દાફાશ: રાજકોટ ક્રાઈમ બ્રાન્ચે 3 આરોપીઓને ઝડપ્યા

SBI અને બેંક ઓફ બરોડાના ATMને બનાવતા નિશાન; એલ્યુમિનિયમની પટ્ટીથી રોકડ ફસાવી ચોરી કરવાની તરકીબ, ₹4.45 લાખનો મુદ્દામાલ જપ્ત

રાજકોટ ક્રાઈમ બ્રાન્ચે ATM મશીનમાં છેડછાડ કરીને રોકડની ચોરી કરતી આંતરરાજ્ય ગેંગને ઝડપી પાડી છે. પોલીસની કાર્યવાહીમાં ઉત્તર પ્રદેશના પ્રતાપગઢના ત્રણ આરોપીઓ ઝડપાયા છે. તેમની પાસેથી ₹1.12 લાખ રોકડા, કાર, મોબાઈલ ફોન, એલ્યુમિનિયમની પટ્ટીઓ, ફાઈબરની રિંગ, બ્લેન્ડર ફાઈલ અને બેંક ઓફ બરોડાનું ATM કાર્ડ સહિત કુલ ₹4.45 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.

પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા સહિતના ઉચ્ચ અધિકારીઓની સૂચના હેઠળ ક્રાઈમ બ્રાન્ચની ટીમ મિલકત સંબંધી ગુનાઓના ભેદ ઉકેલવા માટે સક્રિય હતી. આ દરમિયાન મળેલી બાતમીના આધારે PSI ડી.પી. ઝાલા અને એસ.એમ. રાણાની ટીમે પુજારા પ્લોટ વિસ્તારમાં કાંતા વિકાસગૃહ પાછળની શેરીમાંથી ત્રણ શખ્સોને ઝડપી લીધા હતા.

પકડાયેલા આરોપીઓની ઓળખ અફસારઅહમદ રિયાસતઅલી (23), અરબાઝ ફૈયાઝઅહમદ (27) અને સાહિદખાન મોહમદસલીમ (26) તરીકે થઈ છે. ત્રણેય ઉત્તર પ્રદેશના પ્રતાપગઢના રહેવાસી હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.

ATMમાં પટ્ટી ફસાવી ગ્રાહકોની રોકડ સેરવતા

પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, આરોપીઓ SBI અને બેંક ઓફ બરોડાના જૂની સિસ્ટમવાળા ATMને નિશાન બનાવતા હતા. આ ATMમાં છેડછાડ થાય ત્યારે સાયરન વાગતો ન હોવાનો લાભ લઈને તેઓ ચોરી કરતા હતા.

આરોપીઓ બેંક બંધ હોય અથવા રજાના દિવસે ATMની રેકી કરતા હતા. ત્યારબાદ ATMના ડિસ્પેન્સર બોક્સમાં એલ્યુમિનિયમની પટ્ટી ફિટ કરીને ત્યાંથી નીકળી જતા હતા. કોઈ ગ્રાહક રોકડ ઉપાડવાની પ્રક્રિયા પૂર્ણ કરે છતાં પૈસા બહાર ન આવે તો તે સ્થળ છોડીને જતો રહેતો હતો. ગ્રાહક ગયા બાદ આરોપીઓ ATMમાં ફરી પ્રવેશ કરીને પટ્ટીમાં ફસાયેલા પૈસા કાઢી લેતા હતા.

ગુજરાતનાં અનેક શહેરો ઉપરાંત મુંબઈમાં પણ ચોરી

પોલીસના જણાવ્યા અનુસાર, આરોપીઓએ પૂછપરછ દરમિયાન સુરત, અમદાવાદ, મહેસાણા, રાજકોટ અને મુંબઈ સહિતના વિસ્તારોમાં ATMમાંથી રોકડ ચોરી કર્યાની કબૂલાત આપી છે.

આરોપીઓએ સુરતના સચિન GIDC, પ્રાણી સંગ્રહાલય, ઉધના અને અડાજણ પાટિયા વિસ્તારનાં ATMને નિશાન બનાવ્યાં હોવાનું જણાવ્યું છે. અમદાવાદના નારોલ, સરખેજ, છત્રાલ અને રિંગ રોડ બાયપાસ વિસ્તારમાં પણ ચોરી કરી હોવાની કબૂલાત આપી છે. મહેસાણામાં રેલવે સ્ટેશન નજીકના ATM તથા મુંબઈના ઈસ્ટ વિસ્તારમાં પણ આવી રીતે રોકડ સેરવી હોવાની વિગતો સામે આવી છે.

રાજકોટમાં ત્રિકોણ બાગ નજીક આવેલા SBIના ATMમાંથી આશરે ₹20 હજારની રોકડ કાઢી લીધાની કબૂલાત પણ આરોપીઓએ આપી હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું છે.

વધુ ગુનાઓનો ભેદ ઉકેલવા તપાસ

ક્રાઈમ બ્રાન્ચે ત્રણેય આરોપીઓને ઝડપી લઈને તેમની પાસેથી રોકડ સહિત કુલ ₹4.45 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. આરોપીઓએ જણાવેલા વિવિધ સ્થળોએ થયેલી ચોરીના બનાવોની વિગતોની ચકાસણી કરવામાં આવશે. આ ગેંગ અન્ય ATM ચોરીના ગુનાઓમાં સંડોવાયેલી છે કે કેમ તે દિશામાં પણ તપાસ આગળ વધારવામાં આવી રહી છે.

Leave a Comment

और पढ़ें