21મી સદીમાં ડેટા, જ્ઞાન અને ઇનોવેશન જ સાચી તાકાત: પીએમ મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બ્લૂમબર્ગ ન્યૂ ઇકોનોમી ફોરમમાં ભારતની આર્થિક ભૂમિકા અને વૈશ્વિક ભવિષ્ય અંગે પોતાના વિચારો રજૂ કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે 21મી સદીમાં ડેટા, જ્ઞાન અને નવીનતા તાકાતના નવા સ્ત્રોત બન્યા છે. જોકે, અસલી સવાલ એ નથી કે તાકાત કોની પાસે છે, પરંતુ તેનો ઉપયોગ કેવી રીતે કરવામાં આવે છે તે છે.
પીએમ મોદીએ કહ્યું કે ટેક્નોલોજીનો ઉપયોગ માત્ર કેટલાક લોકોને આગળ વધારવા માટે થશે કે તેના માધ્યમથી લાખો લોકો માટે નવી તકો ઊભી કરવામાં આવશે, તે મહત્ત્વનો પ્રશ્ન છે. તેમણે ‘પાવર ટુ એમ્પાવર’નો વિચાર રજૂ કરતાં જણાવ્યું હતું કે તેનો અર્થ બીજાઓ પર નિયંત્રણ સ્થાપિત કરવાને બદલે તેમને સશક્ત બનાવવો, સ્પર્ધાની જગ્યાએ સહયોગને પ્રાધાન્ય આપવું અને પોતાની સફળતાની સાથે અન્ય લોકોને પણ આગળ વધવામાં મદદ કરવી છે.
વડાપ્રધાને જણાવ્યું હતું કે વૈશ્વિક સ્તરે તાકાતની હરીફાઈ વધી રહી છે ત્યારે ભારત પોતાના અલગ દૃષ્ટિકોણ સાથે આગળ વધી રહ્યું છે. દેશ વિકાસના નિર્ણાયક તબક્કામાંથી પસાર થઈ રહ્યો છે અને હવે માત્ર વિદેશી રોકાણ આકર્ષવા પૂરતો સીમિત નથી, પરંતુ વૈશ્વિક ભવિષ્યને આકાર આપવામાં પણ સક્રિય ભૂમિકા ભજવવા માગે છે.
‘વિકસિત ભારત’ના લક્ષ્યને સાકાર કરવા માટે સરકાર વિશ્વસનીય અને મજબૂત આર્થિક વ્યવસ્થા ઊભી કરવા પર ભાર મૂકી રહી છે. વેપાર, ટેક્નોલોજી, રોકાણ અને આર્થિક સુરક્ષાને લઈને દેશો વચ્ચે સ્પર્ધા વધી રહી છે ત્યારે ભારતને વિશ્વના વિશ્વસનીય આર્થિક વિકાસ કેન્દ્રોમાં સ્થાન અપાવવાની અને વૈશ્વિક અર્થતંત્રમાં સંતુલન સ્થાપિત કરવાની પ્રતિબદ્ધતા પણ પીએમ મોદીએ વ્યક્ત કરી હતી.








