રાજકોટમાં સોનું રૂ.500 અને ચાંદી રૂ.2,200 સસ્તી; ડોલર સામે રૂપિયો મજબૂત થતાં આયાતી કિંમતોમાં ઘટાડાની અસર
શેરબજારમાં તેજી વચ્ચે સોના અને ચાંદીના ભાવમાં સતત બીજા દિવસે ઘટાડો નોંધાયો છે. રાજકોટના હાજર બજારમાં સોનાના ભાવમાં રૂ.500નો ઘટાડો થતાં ભાવ રૂ.1,52,200 થયા હતા, જ્યારે ચાંદી રૂ.2,200 ઘટીને રૂ.2,25,800 પર પહોંચી હતી. વાયદા બજારમાં સોનું રૂ.1,49,440 અને ચાંદી રૂ.2,22,880ના ભાવે નોંધાઈ હતી.
રૂપિયો મજબૂત થતાં કિંમતી ધાતુઓના ભાવ પર અસર
કરન્સી માર્કેટમાં ભારતીય રૂપિયો ડોલર સામે વધુ 51 પૈસા મજબૂત થઈને 95.28ની સપાટીએ પહોંચ્યો હતો. અગાઉના દિવસે પણ રૂપિયામાં આશરે 98 પૈસાનો સુધારો નોંધાયો હતો. વેપારીઓના જણાવ્યા અનુસાર, રૂપિયો મજબૂત બનતાં આયાતી સોના-ચાંદીની પડતર કિંમત ઘટવાની શક્યતા રહે છે, જેની અસર સ્થાનિક બજારના ભાવ પર જોવા મળી રહી છે.
બીજી તરફ, આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાના ભાવમાં આશરે 11 ડોલરનો સુધારો થઈને ભાવ 4,183 ડોલર નોંધાયો હતો. આમ, વૈશ્વિક બજારમાં સુધારા છતાં સ્થાનિક બજારમાં રૂપિયાની મજબૂતીને કારણે સોના-ચાંદીના ભાવમાં ઘટાડો નોંધાયો હતો.
તહેવારોમાં ખરીદી વધવાની શક્યતા
તહેવારોની મોસમમાં સોના-ચાંદીના ભાવમાં ઘટાડો થતાં ગ્રાહકોને રાહત મળી શકે છે. ભાવ નીચા રહે તો આગામી દિવસોમાં દાગીના અને કિંમતી ધાતુઓની ખરીદીમાં વધારો થવાની શક્યતા વેપારીઓ વ્યક્ત કરી રહ્યા છે. જોકે, આગામી દિવસોમાં ભાવની દિશા આંતરરાષ્ટ્રીય બજાર, ડોલરની સ્થિતિ અને રૂપિયાના ઉતાર-ચઢાવ પર નિર્ભર રહેશે.









