માળિયા (મી)ના નવાગામ વાંઢમાં દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ: 430 લિટર દારૂ અને 1400 લિટર આથો કબજે

મોરબી જિલ્લા LCBની ટીમે માળિયા મિયાણા તાલુકાના નવાગામ વાંઢ વિસ્તારમાં વોંકળાના કાંઠે દેશી દારૂની ભઠ્ઠી પર દરોડો પાડી મોટી માત્રામાં દેશી દારૂ અને આથો ઝડપી લીધો છે. પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે LCB ટીમે સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી.

દરોડા દરમિયાન પોલીસને 430 લિટર તૈયાર દેશી દારૂ અને 1400 લિટર આથો મળી આવ્યો હતો. દારૂ બનાવવામાં ઉપયોગમાં લેવાતા આથાનો જથ્થો પણ સ્થળ પરથી મળી આવતા પોલીસે સમગ્ર મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસે દારૂ અને આથો સહિત કુલ રૂ.1.21 લાખની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો છે.

પોલીસની રેડ દરમિયાન આરોપી સ્થળ પર હાજર ન હોવાથી સમીર જાકમ જેડા, રહે. નવાગામ, તાલુકો માળિયા સામે ગુનો નોંધવામાં આવ્યો છે. આરોપીને ઝડપી પાડવા LCB અને સ્થાનિક પોલીસ દ્વારા શોધખોળ શરૂ કરવામાં આવી છે.

આ ઉપરાંત આ દેશી દારૂની ભઠ્ઠી કેટલા સમયથી ચાલી રહી હતી, દારૂનો જથ્થો કોને પહોંચાડવામાં આવતો હતો અને આ પ્રવૃત્તિમાં અન્ય કોઈ શખ્સ સંડોવાયેલો છે કે કેમ તે અંગે પણ પોલીસે તપાસ આગળ ધપાવી છે.

Leave a Comment

और पढ़ें