જમ્મુ-કાશ્મીરના બડગામ જિલ્લાના ખાનસાહેબ વિસ્તારમાં સુરક્ષાબળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઈ હતી. ગુપ્ત માહિતીના આધારે ભારતીય સેના, જમ્મુ-કાશ્મીર પોલીસ અને CRPF દ્વારા સંયુક્ત રીતે હાથ ધરાયેલા ‘ઓપરેશન કોરાગ’ દરમિયાન લશ્કર-એ-તૈયબાનો ટોચનો કમાન્ડર હાશિમ મૂસા ઉર્ફે ફૌજી મૂસા ઠાર થયો હોવાનું જણાવાયું છે.
મંગળવારે મોડી રાત્રે પાલમેદન મુગપથરીના જંગલ વિસ્તારમાં સુરક્ષાબળોએ સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. આ દરમિયાન આતંકવાદીઓ સાથે ગોળીબાર થયો હતો, જેમાં મૂસા માર્યો ગયો હતો.
વિસ્તારમાં હજુ પણ અન્ય આતંકવાદીઓ છુપાયેલા હોવાની આશંકાને પગલે વધારાની સુરક્ષા ટુકડીઓ તૈનાત કરીને સઘન સર્ચ ઓપરેશન ચાલુ રાખવામાં આવ્યું છે. સુરક્ષાબળોએ સમગ્ર જંગલ વિસ્તારને ઘેરી લીધો છે અને સંભવિત છુપાયેલા આતંકવાદીઓની શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે.
સુરક્ષા એજન્સીઓના જણાવ્યા મુજબ, 2022થી સક્રિય લશ્કર-એ-તૈયબાના એક જૂથમાં અબૂ તલ્હા, સુલેમાન, જુનૈદ અહમદ અને હાશિમ મૂસાનો સમાવેશ થતો હતો. આ જૂથ સાથે જોડાયેલા આતંકવાદીઓ સામે અગાઉ પણ કાર્યવાહી થઈ હતી. હવે મૂસા સામેની કાર્યવાહી બાદ સુરક્ષાબળો દ્વારા વિસ્તારમાં આતંકવાદી નેટવર્કને લઈને વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.









