બિહારના પટણામાં આવક કરતાં વધુ સંપત્તિના કેસમાં અધિકારી દંપતી સામે વિજિલન્સ ઈન્વેસ્ટિગેશન બ્યુરોએ કાર્યવાહી કરી છે. સોમવારે પટણા અને બેગુસરાયમાં તેમના ચાર ઠેકાણે પાડવામાં આવેલા દરોડા દરમિયાન રૂ.4 કરોડથી વધુની સંપત્તિ મળી આવી હોવાનું સામે આવ્યું છે.
પટણાના એડિશનલ કલેક્ટર (પુરવઠા) રવિન્દ્ર કુમાર અને તેમના પત્ની સ્વીટી, જેઓ દાનાપુરના જુનિયર રજિસ્ટ્રાર છે, તેમના રહેઠાણ તથા અન્ય સ્થળોએ તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન અચલ સંપત્તિના 7 દસ્તાવેજો જપ્ત કરાયા હતા, જેની કુલ કિંમત રૂ.2.92 કરોડથી વધુ હોવાનું જણાવાયું છે.
આ ઉપરાંત પટણા અને બેગુસરાયમાંથી કુલ રૂ.79.98 લાખથી વધુની રોકડ રકમ પણ મળી આવી હતી. વિજિલન્સ ટીમ દ્વારા જપ્ત કરાયેલા દસ્તાવેજો અને રોકડ રકમ અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. અધિકારી દંપતીની અન્ય સંપત્તિ અને આવકના સ્ત્રોત અંગે પણ તપાસ ચાલી રહી છે.








