નવી દિલ્હી: ભારતમાં વર્ષ 2026 દરમિયાન મોબાઈલ ફોનની કિંમતોમાં વૈશ્વિક સ્તરે સૌથી મોટો વધારો નોંધાયો છે. કાઉન્ટરપોઈન્ટ રિસર્ચના ગ્લોબલ રિસર્ચ અનુસાર, દુનિયાભરમાં સ્માર્ટફોનની સરેરાશ રિટેલ કિંમતમાં 15 ટકાનો વધારો થયો છે, જ્યારે ભારતમાં મેમરી ચિપના વધેલા ખર્ચને કારણે ફોનની સરેરાશ કિંમત 21 ટકા વધી છે.
ભારતમાં ભાવવધારાની અસર વધુ પડવાનું મુખ્ય કારણ અહીંનું બજાર માળખું છે. દેશના સ્માર્ટફોન માર્કેટમાં લગભગ 51 ટકા હિસ્સો રૂ.20,000થી ઓછી કિંમતના બજેટ અને મિડ-રેન્જ ફોનનો છે. ઉત્પાદન ખર્ચ વધતાં આ સેગમેન્ટના ફોન પર ભાવવધારાની અસર વધુ જોવા મળી રહી છે.
ચીન અને અમેરિકાની સરખામણીએ ભારતમાં સૌથી વધુ અસર
સ્માર્ટફોનની કિંમતોમાં ચીનમાં 10 ટકા, યુરોપમાં 7 ટકા અને અમેરિકામાં 5 ટકાનો વધારો નોંધાયો છે. બીજી તરફ, એશિયા-પેસિફિક ક્ષેત્રમાં 19 ટકા, મધ્ય પૂર્વ અને આફ્રિકામાં 18 ટકા તથા લેટિન અમેરિકામાં 16 ટકાનો ભાવવધારો થયો છે.
મોંઘા ફોનથી ગ્રાહકોની ખરીદી ઘટી
સ્માર્ટફોન મોંઘા થતાં તેની સીધી અસર ગ્રાહકોની ખરીદી પર પડી રહી છે. કાઉન્ટરપોઈન્ટના રિસર્ચ એનાલિસ્ટ શુભમ સિંઘના જણાવ્યા મુજબ, ઘણા ગ્રાહકો નવો ફોન ખરીદવાનું કે જૂના ફોનને અપગ્રેડ કરવાનું ટાળી રહ્યા છે. કેટલાક ગ્રાહકો ઓછી સ્ટોરેજ ધરાવતા ફોન અથવા 4G મોડેલ તરફ વળી રહ્યા છે.
રિસર્ચ મુજબ, ભાવવધારાની આ સ્થિતિને કારણે 2026માં ભારતમાં સ્માર્ટફોનનું કુલ વેચાણ 14થી 16 ટકા સુધી ઘટી શકે છે.









