નવી દિલ્હીઃ સ્વતંત્રતા દિવસની ઉજવણીના એક દિવસ પહેલાં દિલ્હીમાં બોમ્બ બ્લાસ્ટની ધમકીભર્યો ઈમેલ મળતાં સુરક્ષા એજન્સીઓ દોડતી થઈ ગઈ છે. દિલ્હી હાઈકોર્ટ અને IGI એરપોર્ટના ટર્મિનલ-3 સહિત અનેક મહત્વપૂર્ણ સ્થળોને નિશાન બનાવવાની ધમકી મળતાં રાજધાનીમાં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
ધમકીભર્યા ઈમેલમાં લાલ કિલ્લા, દિલ્હી હાઈકોર્ટ, IGI એરપોર્ટ, જામનગર હાઉસ, ઝંડેવાલાન બિલ્ડિંગ, સાકેત DM ઓફિસ અને દિલ્હી કેન્ટની SDM ઓફિસ સહિતના સ્થળોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. સાથે જ દિલ્હી મેટ્રો, અંબાલા તરફ જતી ટ્રેનો અને દિલ્હીની તમામ જિલ્લા અદાલતોને પણ નિશાન બનાવવાની ધમકી આપવામાં આવી છે.
દિલ્હી હાઈકોર્ટના અધિકારીઓને મળેલા ઈમેલમાં હાઈકોર્ટ અને જિલ્લા અદાલતોમાં બોમ્બ વિસ્ફોટની ચોક્કસ સમય સાથે ધમકી આપવામાં આવી હતી. ઈમેલમાં એક આતંકવાદી સંગઠનનો ઉલ્લેખ કરીને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને અદાલતો વિરુદ્ધ પણ ધમકીભરી ભાષાનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાની માહિતી છે.
ઈમેલમાં ‘દિલ્હી બનશે ખાલિસ્તાન’ જેવા દાવા સાથે પંજાબના કેટલાક સ્થળો, શીખ સમુદાય સાથે જોડાયેલા કેસો અને 1984ના રમખાણોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. સુરક્ષા એજન્સીઓ હવે ઈમેલની સત્યતા અને તેની પાછળના સૂત્રની તપાસ કરી રહી છે.
બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડ દ્વારા સઘન તપાસ
ધમકી મળતાં જ દિલ્હી પોલીસ, બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડ, સ્નિફર ડોગ્સ અને ફાયર બ્રિગેડની ટીમો વિવિધ સ્થળોએ પહોંચી ગઈ હતી. સંવેદનશીલ વિસ્તારોને કોર્ડન કરી સઘન સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.
પ્રાથમિક તપાસમાં અત્યાર સુધી કોઈ શંકાસ્પદ વસ્તુ કે વિસ્ફોટક મળી આવ્યું નથી. તેમ છતાં સુરક્ષા એજન્સીઓ કોઈ જોખમ લેવા તૈયાર નથી. ઈમેલનું મૂળ શોધવા માટે દિલ્હી પોલીસની સાયબર ટીમ તપાસ કરી રહી છે.
15 ઓગસ્ટે લાલ કિલ્લા પરથી વડાપ્રધાન દેશને સંબોધિત કરવાના હોવાથી દિલ્હીમાં પહેલેથી જ ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા છે. ધમકી બાદ લાલ કિલ્લા સહિત સમગ્ર રાજધાનીમાં સુરક્ષા વધુ કડક કરવામાં આવી છે અને દિલ્હીની સરહદો પર પણ વાહનોનું સઘન ચેકિંગ શરૂ કરવામાં આવ્યું છે.
15થી 20 હજાર જવાનો સુરક્ષામાં તૈનાત
સ્વતંત્રતા દિવસની ઉજવણી માટે 15થી 20 હજાર જેટલા સુરક્ષા જવાનો તૈનાત કરવામાં આવશે. એન્ટી-ટેરર ચેકિંગ, ઈમરજન્સી રિસ્પોન્સ અને ભીડ નિયંત્રણ પર વિશેષ ધ્યાન આપવામાં આવી રહ્યું છે.
લાલ કિલ્લાની આસપાસના આશરે 3 કિલોમીટર વિસ્તારમાં CCTV, ફેસ રેકગ્નિશન અને વીડિયો એનાલિટિક્સ દ્વારા સતત નજર રાખવામાં આવી રહી છે. ‘અભિજ્ઞાન’ એપ સહિતની આધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ કરીને સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત બનાવવામાં આવી છે.
ધમકીભર્યો ઈમેલ મળ્યા બાદ દિલ્હી પોલીસ અને અન્ય સુરક્ષા એજન્સીઓ સંપૂર્ણ સતર્ક છે. હાલની તપાસમાં કોઈ વિસ્ફોટક મળ્યું નથી, પરંતુ ધમકીની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સુરક્ષા વ્યવસ્થા યથાવત સઘન રાખવામાં આવી છે.








