ગોંડલમાં ડુપ્લીકેટ જંતુનાશક દવાનો પર્દાફાશઃ 41 બોટલ જથ્થો ઝડપાયો

ગોંડલઃ ભુણાવા ગામ નજીક આવેલા જય ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં ડુપ્લીકેટ જંતુનાશક દવા બનાવવાનું કૌભાંડ સામે આવ્યું છે. શાપર સ્થિત એફીલ્ડ ક્રોપ કેર કંપનીની ‘પ્રોફેકો સુપર’ સહિતની જંતુનાશક દવાઓની નકલી દવા બનાવી તેનું વેચાણ કરવામાં આવતું હોવાની ફરિયાદ ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે.

ફરિયાદ મુજબ, સનિત ભરત વરસાણી અને તેનો મિત્ર સ્મિત ગિરધર લીલા ભુણાવા ખાતે મેટલ એગ્રી ઇન્ડસ્ટ્રીઝ નામની કંપની ચલાવતા હતા. સનિત અગાઉ વર્ષ 2021-22 દરમિયાન ફરિયાદીની કંપનીમાં કર્મચારી તરીકે કામ કરી ચૂક્યો હતો.

કંપનીની દવાઓની ડુપ્લીકેટ છેલ્લા આશરે છ મહિનાથી બનાવવામાં આવી રહી હોવાની માહિતી મળતાં ફરિયાદીએ પોલીસને જાણ કરી હતી. ત્યારબાદ પોલીસની હાજરીમાં મેટલ એગ્રી ઇન્ડસ્ટ્રીઝમાં તપાસ હાથ ધરવામાં આવી હતી.

તપાસ દરમિયાન અલગ-અલગ બોટલોમાં ભરેલી 41 ડુપ્લીકેટ જંતુનાશક દવાઓ મળી આવી હતી. જપ્ત કરાયેલા જથ્થાની કિંમત આશરે રૂ.25,680 હોવાનું સામે આવ્યું છે.

આરોપીઓ પાસે દવા બનાવવા, રાખવા કે વેચાણ કરવા અંગે કોઈ લાયસન્સ કે માન્ય આધાર પુરાવા ન હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું હતું. ફરિયાદ મુજબ નકલી દવાઓનું વેચાણ કરીને કંપનીને આર્થિક નુકસાન પહોંચાડવા ઉપરાંત ખેડૂતો સાથે પણ છેતરપિંડી કરવામાં આવી હતી.

સમગ્ર મામલે ગોંડલ તાલુકા પોલીસે બંને આરોપીઓ સામે કોપીરાઇટ એક્ટ અને છેતરપિંડી હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Comment

और पढ़ें