વોશિંગ્ટનઃ ચીન પરની નિર્ભરતા ઘટાડવા અને રાષ્ટ્રીય સુરક્ષાને મજબૂત કરવા અમેરિકાએ વિદેશથી આયાત થતા ડ્રોન અને તેના સ્પેરપાર્ટ્સ પર 100% સુધીનો ભારે ટેરિફ લાદવાની જાહેરાત કરી છે. વ્હાઇટ હાઉસના સત્તાવાર નિવેદન મુજબ નવો ટેરિફ મુખ્યત્વે 3 સપ્ટેમ્બરથી અમલમાં આવશે.
નવા નિયમ હેઠળ 25 કિલોગ્રામથી વધુ વજન ધરાવતા અથવા થર્મલ ઈમેજિંગ જેવી અદ્યતન ટેક્નોલોજી ધરાવતા ડ્રોન પર 100% સુધીનો ટેરિફ લાગશે. જ્યારે સામાન્ય અને રાષ્ટ્રીય સુરક્ષાના દાયરામાં ન આવતા નાના ડ્રોન પર 25% સુધીનો ટેરિફ લાદવામાં આવશે.
અમેરિકાનો આ નિર્ણય તમામ દેશોમાંથી આયાત થતા ડ્રોન પર લાગુ થશે, પરંતુ તેનો સૌથી મોટો ફટકો ચીનને પડવાની શક્યતા છે. અમેરિકાના કોમર્શિયલ ડ્રોન માર્કેટમાં ચીની કંપનીઓનું વર્ચસ્વ છે. ખાસ કરીને DJI કંપની રિયલ એસ્ટેટ, કૃષિ, ફિલ્મ નિર્માણ અને કન્ટેન્ટ ક્રિએશન જેવા ક્ષેત્રોમાં મોટી બજાર હિસ્સેદારી ધરાવે છે.
અમેરિકાના આ પગલાનો હેતુ વિદેશી સપ્લાય ચેઈન પરની નિર્ભરતા ઘટાડીને દેશમાં જ ડ્રોનનું ઉત્પાદન વધારવાનો છે. સાથે જ ચીનની અદ્યતન ડ્રોન ટેક્નોલોજી પર અમેરિકાની નિર્ભરતા ઘટાડવાનો પ્રયાસ પણ માનવામાં આવી રહ્યો છે.
આ નિર્ણયની અસર ભારતીય ડ્રોન કંપનીઓ પર પણ પડશે. અમેરિકામાં ભારતીય નાના અને કોમર્શિયલ ડ્રોન પર 25% સુધીનો ટેરિફ લાગશે. જોકે, ચીની ડ્રોન પર વધેલા નિયંત્રણો ભારતીય કંપનીઓ માટે અમેરિકન બજારમાં પ્રવેશવાની નવી તક બની શકે છે.
ideaForge, DroneAcharya અને Garuda Aerospace જેવી ભારતીય કંપનીઓ ચીનના ઘટતા દબદબાનો લાભ લઈને અમેરિકામાં પોતાની નિકાસ અને બજાર હિસ્સો વધારવાનો પ્રયાસ કરી શકે છે.









