સોના-ચાંદીની આયાત જકાતથી સરકારને રૂ.10,463 કરોડની કમાણી

13 મેથી 2 ઓગસ્ટ સુધી સોના પર સૌથી વધુ રૂ.10,040 કરોડની આવક

નવી દિલ્હી: સોના-ચાંદી સહિતની કિંમતી ધાતુઓ પર આયાત જકાત વધારવાથી કેન્દ્ર સરકારની તિજોરીમાં મોટી આવક થઈ છે. લોકસભામાં રજૂ કરાયેલી માહિતી મુજબ 13 મેથી 2 ઓગસ્ટ દરમિયાન સોના, ચાંદી અને પ્લેટિનમની આયાત જકાતમાંથી સરકારને કુલ રૂ.10,463 કરોડ મળ્યા છે.

નાણા રાજ્યમંત્રી પંકજ ચૌધરીના જણાવ્યા મુજબ આ સમયગાળામાં સોના પરથી રૂ.10,040 કરોડ, ચાંદી પરથી રૂ.328 કરોડ અને પ્લેટિનમ પરથી રૂ.95 કરોડની આવક થઈ છે.

સરકારે 13 મેના રોજ સોના-ચાંદી પરની આયાત જકાત 6%થી વધારીને 15% કરી હતી. જ્યારે પ્લેટિનમ પરની જકાત 6.4%થી વધારીને 15.4% કરવામાં આવી હતી.

સરકારનો મુખ્ય હેતુ કિંમતી ધાતુઓની આયાત ઘટાડીને વિદેશી હૂંડિયામણ પરનું દબાણ ઓછું કરવાનો હતો. જોકે, જકાત વધાર્યા બાદ સોનાની દાણચોરીનો પડકાર પણ સામે આવ્યો છે.

16 મેથી 30 જૂન દરમિયાન દેશમાં દાણચોરીથી લાવવામાં આવેલું આશરે 161 કિલો સોનું જપ્ત કરવામાં આવ્યું હતું. આમ, એક તરફ આયાત જકાતથી સરકારની આવક વધી છે, તો બીજી તરફ સોનાની દાણચોરી રોકવી મોટો પડકાર બની છે.

Leave a Comment

और पढ़ें