1000થી વધુ ઘરોમાં 5 ફૂટ પાણી; અનેક રસ્તા-પુલ પાણીમાં ગરકાવ
ભોપાલ: મધ્ય પ્રદેશમાં છેલ્લા 60 કલાકથી સતત વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદને કારણે ભોપાલ સહિત અનેક જિલ્લાઓમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે.
રાજગઢના બ્યાવરામાં 24 કલાકમાં 9 ઇંચ, ખિલચીપુરમાં 8 ઇંચ અને જીરાપુરમાં 7.7 ઇંચ વરસાદ નોંધાયો છે. ભોપાલમાં બે દિવસમાં આશરે 8 ઇંચ વરસાદ પડ્યો છે.
ભોપાલના 50થી વધુ નીચાણવાળા વિસ્તારોમાં 1000થી વધુ ઘરોમાં 5 ફૂટ સુધી પાણી ભરાયું છે. અનેક વાહનો પાણીમાં ગરકાવ થયા છે અને ઘરવખરીને નુકસાન થયું છે.
ભારે વરસાદથી નદીઓ-નાળાં છલકાતા અનેક નાના પુલ ડૂબી ગયા છે. રાયસેનમાં પુલો પાણીમાં ગરકાવ થતાં તમામ શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે.
નર્મદા નદીનું જળસ્તર પણ 10 ફૂટ વધ્યું છે. હવામાન વિભાગે આગામી દિવસોમાં વરસાદનું જોર યથાવત રહેવાની શક્યતા વ્યક્ત કરી છે.








