લાંબા સમયથી અટવાયેલા જહાજોના તળિયે ચોંટેલા દરિયાઈ જીવો દુનિયાના અન્ય બંદરો સુધી પહોંચી શકે
નવી દિલ્હી: હોર્મુઝ સ્ટ્રેટ લાંબા સમયથી બંધ રહેતાં ફારસની ખાડીમાં 1500થી વધુ વાણિજ્યિક જહાજો અટવાયેલા છે. હોર્મુઝ ખુલ્યા બાદ આ જહાજો વિવિધ દેશોના બંદરો તરફ રવાના થશે ત્યારે તેમની સાથે દરિયાઈ જીવો અને સૂક્ષ્મ જૈવિક પ્રજાતિઓ પણ નવા વિસ્તારોમાં પહોંચવાની ચિંતા વધી છે.
લાંબા સમય સુધી પાણીમાં ઊભેલા જહાજોના તળિયે શેવાળ, પરજીવી અને અન્ય સમુદ્રી જીવો ચોંટે છે, જેને બાયોફાઉલિંગ કહેવાય છે. જહાજો નવા બંદરો સુધી પહોંચે ત્યારે આ બહારની પ્રજાતિઓ સ્થાનિક પર્યાવરણમાં પ્રવેશી શકે છે.
નવી જગ્યાએ કુદરતી શિકારી ન મળતાં આવી પ્રજાતિઓ ઝડપથી ફેલાઈ શકે છે અને સ્થાનિક માછલી, સમુદ્રી વનસ્પતિ તથા જળચર જીવસૃષ્ટિ માટે ખતરો બની શકે છે. તેની અસર માછીમારી, જળકૃષિ અને તટીય ઉદ્યોગો પર પણ પડી શકે છે.
ફારસની ખાડીનું ગરમ પાણી બાયોફાઉલિંગ માટે અનુકૂળ હોવાથી લાંબા સમયથી અટવાયેલા જહાજોમાં જોખમ વધુ હોવાની ચિંતા છે. નિષ્ણાતોના મતે જહાજોને રવાના કરતાં પહેલાં તળિયાની તપાસ અને જરૂરી અન્ડરવોટર સફાઈ કરવી જોઈએ.
હોર્મુઝ ખુલવાથી પેટ્રોલ, ગેસ અને વૈશ્વિક વેપારને રાહત મળી શકે છે, પરંતુ સાથે જ દરિયાઈ પર્યાવરણમાં બહારની પ્રજાતિઓના ફેલાવા પર નજર રાખવી પણ જરૂરી બનશે.








