કોલંબિયામાં 7.4ના ભૂકંપથી ભારે તબાહી: 132નાં મોત, 2 હજારથી વધુ લાપતા

570થી વધુ ઘાયલ; 1,577 મકાનોને નુકસાન, 37 ઈમારતો ધરાશાયી

બોગોટા: કોલંબિયામાં 7.4ની તીવ્રતાના શક્તિશાળી ભૂકંપથી ભારે તબાહી સર્જાઈ છે. ભૂકંપના આંચકા રાજધાની બોગોટા સહિત અનેક વિસ્તારોમાં અનુભવાયા હતા.

પ્રાથમિક અહેવાલ મુજબ 132 લોકોનાં મોત થયા છે, જ્યારે 570થી વધુ લોકો ઘાયલ થયા છે. બીજી તરફ 2,000થી વધુ લોકો લાપતા હોવાની માહિતી સામે આવી છે.

ભૂકંપના કારણે 1,577થી વધુ મકાનોને નુકસાન થયું છે અને 37 ઈમારતો ધરાશાયી થઈ છે. 18 આરોગ્ય કેન્દ્રો અને 52 શાળાઓને પણ અસર થઈ છે.

ભૂકંપ બાદ 21 આફ્ટરશોક્સ નોંધાયા છે. કાટમાળમાં ફસાયેલા લોકોને બચાવવા સેના, ફાયર બ્રિગેડ અને રેસ્ક્યૂ ટીમો દ્વારા કામગીરી ચાલી રહી છે.

ભૂકંપનું કેન્દ્રબિંદુ ચોકો વિસ્તારમાં જમીનથી આશરે 170 કિમી ઊંડાઈએ નોંધાયું હતું. તેની અસર પાડોશી દેશ ઇક્વાડોરમાં પણ અનુભવાઈ હતી.

કોલંબિયાની મદદ માટે અમેરિકાએ 1.55 કરોડ ડોલરની રાહત સહાય જાહેર કરી છે, જ્યારે ઇક્વાડોરે વિશેષ બચાવ ટીમો અને સાધનો મોકલવાની તૈયારી દર્શાવી છે.

હાલમાં કાટમાળ નીચે દટાયેલા લોકોને બચાવવા અને અસરગ્રસ્તો સુધી રાહત પહોંચાડવી તંત્ર માટે સૌથી મોટો પડકાર બની રહ્યો છે.

Leave a Comment