પેરમ્બલુર નજીક ચેન્નાઈ-તિરુચિરાપલ્લી હાઇવે પર ઘટના; સમયસર બસ ખાલી કરાવતાં મોટી દુર્ઘટના ટળી
ચેન્નાઈ: તમિલનાડુના પેરમ્બલુર જિલ્લામાં ચેન્નાઈ-તિરુચિરાપલ્લી નેશનલ હાઇવે પર દોડતી એક ખાનગી સ્લીપર બસમાં અચાનક ભીષણ આગ લાગતાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. જોકે બસના ડ્રાઇવરની સમયસૂચકતા અને સતર્કતાના કારણે બસમાં સવાર તમામ 23 મુસાફરોનો આબાદ બચાવ થયો હતો.
પ્રાથમિક માહિતી અનુસાર બસ હાઇવે પર મુસાફરી કરી રહી હતી ત્યારે અચાનક બસના પાછળના ભાગમાંથી ધુમાડો નીકળતા ડ્રાઇવરે તરત જ વાહન રોડની સાઇડમાં ઊભું રાખ્યું હતું. સ્થિતિની ગંભીરતા સમજી તેણે તમામ મુસાફરોને તાત્કાલિક બસમાંથી બહાર ઉતારી દીધા હતા.
થોડી જ ક્ષણોમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં સમગ્ર બસ આગની ઝપેટમાં આવી ગઈ હતી. ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમ સ્થળ પર પહોંચી આગ પર કાબૂ મેળવવાની કામગીરી હાથ ધરી હતી.
સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ કે ઇજા નોંધાઈ નથી. જો કે આગના કારણે બસ સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગઈ હોવાનું જાણવા મળ્યું છે.
પ્રાથમિક તપાસમાં શોર્ટ સર્કિટ અથવા ટેકનિકલ ખામીના કારણે આગ લાગી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. પોલીસે અને ફાયર વિભાગે ઘટનાની વધુ તપાસ શરૂ કરી છે.









