ગુજરાત ATSની તપાસમાં નવો ખુલાસો: ઝડપાયેલા શંકાસ્પદ આતંકીઓનો વડોદરા કનેક્શન સામે આવ્યો

AK-47 અને પિસ્તોલ ચલાવવાની તાલીમ લીધી હોવાનો દાવો; ટાઈમર આધારિત બોમ્બ બનાવવાની માહિતી પણ મેળવી, વડોદરામાં અજાણ્યા કાશ્મીરી વ્યક્તિ સાથે ગુપ્ત બેઠક થયાની તપાસ

અમદાવાદ: ગુજરાત ATS દ્વારા ઝડપાયેલા પાંચ શંકાસ્પદ આતંકીઓની પૂછપરછમાં વધુ એક મહત્વપૂર્ણ ખુલાસો સામે આવ્યો છે. તપાસ એજન્સીના જણાવ્યા મુજબ, આરોપીઓમાંથી કેટલાકે AK-47 રાઇફલ અને પિસ્તોલ ચલાવવાની તાલીમ લીધી હોવાનો ખુલાસો થયો છે. ઉપરાંત તેમણે ટાઈમર આધારિત વિસ્ફોટક તૈયાર કરવાની પદ્ધતિ અને તેના ટેસ્ટ બ્લાસ્ટ અંગે પણ માહિતી મેળવી હોવાનું તપાસમાં સામે આવ્યું છે.

તપાસ દરમિયાન સૌથી મહત્વની બાબત તરીકે આરોપીઓનું વડોદરા કનેક્શન પણ બહાર આવ્યું છે. ATSના સૂત્રોના જણાવ્યા અનુસાર, આરોપીઓએ વડોદરામાં એક અજાણ્યા કાશ્મીરી વ્યક્તિ સાથે ગુપ્ત બેઠક કરી હતી. આ બેઠકનો હેતુ શું હતો અને તેમાં અન્ય કોણ સામેલ હતું તે દિશામાં તપાસ તેજ કરવામાં આવી છે.

તપાસ એજન્સીઓ આરોપીઓના મોબાઇલ ફોન, ડિજિટલ ડેટા, સોશિયલ મીડિયા સંપર્કો અને અન્ય ટેક્નિકલ પુરાવાઓની પણ સઘન તપાસ કરી રહી છે. વડોદરામાં થયેલી બેઠક દરમિયાન કોઈ આતંકી ષડયંત્ર ઘડાયું હતું કે કેમ અને તેનો અન્ય રાજ્યો સાથે કોઈ સંબંધ છે કે નહીં તે અંગે પણ તપાસ ચાલી રહી છે.

ગુજરાત ATS દ્વારા સમગ્ર નેટવર્ક, સંભવિત સહયોગીઓ અને દેશવિરોધી પ્રવૃત્તિઓ સાથે જોડાયેલી તમામ કડીઓ શોધવા માટે તપાસનો વ્યાપ વધુ વિસ્તૃત કરવામાં આવ્યો છે.

Leave a Comment

और पढ़ें