ગિરનાર યાત્રા માટે હવે ફરજિયાત ઓનલાઈન રજીસ્ટ્રેશન: તમામ યાત્રાળુઓની IN-OUT એન્ટ્રી નોંધાશે

યાત્રાળુઓની સુરક્ષા માટે જિલ્લા તંત્રનો મહત્વપૂર્ણ નિર્ણય; ભવનાથ અને ગિરનાર વિસ્તારમાં પ્રતિબંધાત્મક જાહેરનામું પણ અમલમાં

જૂનાગઢ: ગિરનાર પર્વત પર તાજેતરમાં બનેલી દુઃખદ ઘટનાને ધ્યાનમાં રાખીને યાત્રાળુઓની સુરક્ષા વધુ મજબૂત બનાવવા જિલ્લા વહીવટી તંત્રે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ હવે ગિરનાર પર્વત પર જવા અને પરત ફરવા માટે IN-OUT Registration System પ્રાયોગિક ધોરણે અમલમાં મૂકવામાં આવ્યું છે. હવે ગિરનારની મુલાકાત લેતા દરેક યાત્રાળુ માટે ઓનલાઈન અથવા સ્થળ પર નોંધણી કરાવવી ફરજિયાત રહેશે.

નવી વ્યવસ્થા મુજબ યાત્રાળુઓએ નવી સીડી, જૂની સીડી અથવા રોપવે મારફતે ગિરનાર પર જતાં પહેલાં QR કોડ સ્કેન કરીને ‘IN એન્ટ્રી’ નોંધાવવી પડશે, જ્યારે દર્શન પૂર્ણ કરીને પરત ફરતી વખતે ‘OUT એન્ટ્રી’ નોંધાવવી ફરજિયાત રહેશે. સ્માર્ટફોન ન ધરાવતા યાત્રાળુઓ માટે સ્થળ પર જ ઓફલાઈન નોંધણીની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.

જિલ્લા વહીવટી તંત્રે દરેક યાત્રાળુને પોતાના સાથે કોઈપણ એક માન્ય ઓળખપત્ર રાખવાની અપીલ કરી છે. ઓનલાઈન નોંધણી માટે Register.bhavnathtemple.com પોર્ટલ શરૂ કરવામાં આવ્યું છે, જ્યાં સરળતાથી રજીસ્ટ્રેશન કરી શકાશે.

જિલ્લા વહીવટી તંત્ર, વન વિભાગ અને જિલ્લા પોલીસના સંયુક્ત પ્રયાસોથી તૈયાર કરાયેલી આ વેબસાઈટનું નિર્માણ જિલ્લા NIC ટીમ દ્વારા કરવામાં આવ્યું છે. નવી વ્યવસ્થાનો મુખ્ય હેતુ યાત્રાળુઓની સુરક્ષા, તેમની અવરજવર પર નજર રાખવી તેમજ કોઈપણ આપત્તિ સમયે તાત્કાલિક મદદ પહોંચાડવાની સુવિધા ઉપલબ્ધ કરાવવાનો છે.

આ દરમિયાન દિલ્હીથી શરૂ થયેલી શ્રી નેમિ ગિરનાર ધર્મયાત્રાને ધ્યાનમાં રાખીને 19થી 21 જુલાઈ, 2026 દરમિયાન ભવનાથ વિસ્તાર અને ગિરનારની પાંચમી ટૂંક સુધી ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (BNSS)ની કલમ 163 હેઠળ પ્રતિબંધાત્મક આદેશો અમલમાં મૂકવામાં આવ્યા છે.

જાહેરનામા મુજબ કોઈપણ વ્યક્તિ ધર્મવિરુદ્ધ કે લાગણી દુભાય તેવું વર્તન, ઉશ્કેરણીજનક ભાષણ, સૂત્રોચ્ચાર અથવા મંત્રોચ્ચાર કરી શકશે નહીં. ઉપરાંત ભવનાથ અને ગિરનાર વિસ્તારમાં લાઉડસ્પીકર, વાજિંત્રો, ઘાતક હથિયારો અથવા શંકાસ્પદ વસ્તુઓ સાથે આવવા પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જાહેરનામાના ભંગ બદલ કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

Leave a Comment

और पढ़ें