કલ્પસર યોજના સાકાર થતાં સૌરાષ્ટ્ર દેશનો સૌથી પાણી સમૃદ્ધ પ્રદેશ બનશે: કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલ

લોકભારતી સણોસરામાં કલ્પસરના પ્રખર હિમાયતી વિનુભાઈ ગાંધીના અભિનવ સન્માન સમારોહમાં વ્યક્ત કર્યો વિશ્વાસ

ભાવનગર: સૌરાષ્ટ્રના જળસંકટનો કાયમી ઉકેલ માનવામાં આવતી કલ્પસર યોજના અંગે કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલે મહત્વપૂર્ણ નિવેદન આપતાં જણાવ્યું હતું કે, કલ્પસર યોજના સાકાર થતાં સૌરાષ્ટ્ર સમગ્ર દેશમાં સૌથી વધુ પાણી સમૃદ્ધ અને હરિયાળો પ્રદેશ બનશે. તેમણે કહ્યું કે કેન્દ્ર સરકાર આ મહત્ત્વાકાંક્ષી યોજનાને લઈને સંપૂર્ણપણે ગંભીર અને સક્રિય છે.

લોકભારતી ગ્રામવિદ્યાપીઠ, સણોસરા તથા કલ્પસર સહયોગ સમિતિ ગુજરાતના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા કલ્પસર કર્મયોગી વિનુભાઈ ગાંધીના અભિનવ સન્માન સમારોહમાં અધ્યક્ષસ્થાનેથી સંબોધન કરતાં સી.આર. પાટીલે જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિકસિત ભારત–2047ના વિઝનમાં જળસંચય અને જળવ્યવસ્થાપનને વિશેષ સ્થાન આપવામાં આવ્યું છે.

તેમણે ભારપૂર્વક જણાવ્યું કે, “પાણીનો ઉપયોગ કરવો આપણો અધિકાર છે, પરંતુ તેનું સંરક્ષણ કરવું આપણી ફરજ છે.” જળસંચય વિના ભવિષ્ય સુરક્ષિત બની શકે નહીં અને કલ્પસર જેવી બહુહેતુક યોજના ગુજરાતના વિકાસમાં ઐતિહાસિક ભૂમિકા ભજવશે.

સન્માનિત વિનુભાઈ ગાંધીએ જણાવ્યું કે, ખંભાતનો અખાત પ્રકૃતિની અમૂલ્ય ભેટ છે અને વર્ષોથી જોવાયેલું કલ્પસરનું સ્વપ્ન હવે સાકાર થવાની આશા વધુ મજબૂત બની છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંકલ્પથી આ મહત્ત્વાકાંક્ષી યોજના ચોક્કસપણે સાકાર થશે.

કલ્પસર સહયોગ સમિતિ દ્વારા વિનુભાઈ ગાંધીનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. સમારોહ દરમિયાન તેમને અર્પણ કરાયેલી રૂ.11,11,111ની સન્માનરાશિમાં પોતાની તરફથી રૂ.11,111 ઉમેરી કુલ રકમ કલ્પસર જાગૃતિ અને જનઅભિયાન માટે પરત અર્પણ કરીને તેમણે અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું હતું.

કાર્યક્રમની શરૂઆત જીવરાજભાઈ સુરાણી (ધારૂકાવાળા) અને લોકભારતી સંસ્થાના વડા તથા લોકવૈજ્ઞાનિક અરુણભાઈ દવેના હસ્તે દીપપ્રાગટ્ય સાથે થઈ હતી. સમારોહમાં મોટી સંખ્યામાં મહાનુભાવો, જળવિચારકો અને કલ્પસરના સમર્થકો ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Comment

और पढ़ें