કાશ્મીર સરહદે ઘુસણખોરીનો પ્રયાસ નિષ્ફળ: BSFના ગોળીબાર બાદ શંકાસ્પદો પરત ફર્યા

રાજોરીના તારકુંડી વિસ્તારમાં દોઢ કલાક સુધી અથડામણ; વધારાની સુરક્ષા તૈનાત

શ્રીનગર: જમ્મુ-કાશ્મીરના રાજોરી જિલ્લામાં નિયંત્રણ રેખા (LoC) નજીક પાકિસ્તાન તરફથી થયેલા શંકાસ્પદ ઘુસણખોરીના પ્રયાસને ભારતીય સુરક્ષા દળોએ નિષ્ફળ બનાવ્યો છે. સરહદ પર શંકાસ્પદ હિલચાલ જોવા મળતાં બોર્ડર સુરક્ષા દળ (BSF)ના જવાનોએ ચેતવણી આપ્યા બાદ ગોળીબાર કર્યો હતો.

સૂત્રોના જણાવ્યા અનુસાર, રાજોરીના તારકુંડી પોસ્ટ નજીક કેટલાક શંકાસ્પદ લોકો ભારતીય સરહદમાં પ્રવેશવાનો પ્રયાસ કરી રહ્યા હોવાનું સુરક્ષા દળોને જણાયું હતું. જવાનોએ પ્રથમ તેમને રોકાવા અને આત્મસમર્પણ કરવા માટે ચેતવણી આપી હતી, પરંતુ કોઈ પ્રતિસાદ ન મળતાં રાત્રે આશરે 10 વાગ્યે ગોળીબાર શરૂ કરવામાં આવ્યો હતો.

ઘટના દરમિયાન બંને તરફથી આશરે દોઢ કલાક સુધી ગોળીબાર ચાલ્યો હતો. સુરક્ષા દળોના અસરકારક પ્રતિસાદ બાદ શંકાસ્પદ ઘુસણખોરો પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) તરફ પાછા ફર્યા હોવાનું માનવામાં આવી રહ્યું છે.

ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે અને સરહદ પર વધારાના જવાનો તૈનાત કરીને સુરક્ષા વધુ કડક બનાવવામાં આવી છે. અધિકારીઓનું કહેવું છે કે સરહદ પર બહુસ્તરીય સુરક્ષા વ્યવસ્થાને કારણે ઘુસણખોરીના પ્રયાસો મોટા ભાગે નિષ્ફળ જાય છે, જોકે આતંકી તત્વો રાત્રિના અંધકારનો લાભ લઈને વારંવાર ઘુસણખોરીનો પ્રયાસ કરતા રહે છે.

સુરક્ષા એજન્સીઓ સમગ્ર ઘટનાની તપાસ કરી રહી છે અને સરહદ પર સતત ચાંપતી નજર રાખવામાં આવી રહી છે.

Leave a Comment

और पढ़ें