માનવસેવા, પ્રામાણિકતા અને કરુણાના મૂલ્યોના વૈશ્વિક પ્રસાર બદલ મળ્યું ઐતિહાસિક સન્માન
જેક્સન (અમેરિકા): અમેરિકાના મિસિસિપી રાજ્યના જેક્સન શહેરે ભારતીય આધ્યાત્મિક પરંપરા અને માનવસેવાના મૂલ્યોને ગૌરવ અપાવતો ઐતિહાસિક નિર્ણય લીધો છે. શહેરના મેયર જોન હોર્ને 8 જુલાઈ, 2026ના રોજ યોજાયેલા ભવ્ય સમારોહમાં 8 જુલાઈને ‘પૂજ્ય ડો. જ્ઞાનવત્સલ સ્વામી દિવસ’ તરીકે જાહેર કરવાની સત્તાવાર જાહેરાત કરી હતી.
ધ હિલ્ટન ખાતે યોજાયેલા આ વિશેષ કાર્યક્રમમાં 1,000થી વધુ લોકો ઉપસ્થિત રહ્યા હતા. પૂજ્ય ડો. જ્ઞાનવત્સલ સ્વામીશ્રીએ વિશ્વભરમાં પ્રામાણિકતા, કરુણા, નૈતિકતા અને નિઃસ્વાર્થ સેવાના મૂલ્યોના પ્રસાર દ્વારા સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવવાના પ્રયાસો કર્યા છે. તેમના આ યોગદાનને માન્યતા આપતા જેક્સન શહેરે આ વિશેષ સન્માન અર્પણ કર્યું છે.
પ્રસંગે મેયર જોન હોર્ને જણાવ્યું હતું કે, “પૂજ્ય ડો. જ્ઞાનવત્સલ સ્વામીશ્રીએ માનવસેવા અને મૂલ્યઆધારિત જીવન માટે જે પ્રેરણાદાયી કાર્ય કર્યું છે, તે સમગ્ર સમાજ માટે પ્રેરણારૂપ છે. આ જાહેરાત દ્વારા અમે તેમના યોગદાનને સન્માનિત કરીએ છીએ અને નાગરિકોને તેમના આદર્શોમાંથી પ્રેરણા લેવા આમંત્રિત કરીએ છીએ.”
આ કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવો અને મોટી સંખ્યામાં હાજર રહેલા શ્રદ્ધાળુઓએ આ નિર્ણયને ભારતીય સંસ્કૃતિ, આધ્યાત્મિકતા અને માનવકલ્યાણના મૂલ્યોને મળેલું આંતરરાષ્ટ્રીય ગૌરવ ગણાવી હર્ષ વ્યક્ત કર્યો હતો.
જેક્સન શહેર દ્વારા આપવામાં આવેલું આ સન્માન વૈશ્વિક સ્તરે ભારતીય આધ્યાત્મિક પરંપરા અને સેવા સંસ્કૃતિને મળેલી મહત્વપૂર્ણ માન્યતા તરીકે જોવામાં આવી રહ્યું છે.








