દેશી દારૂમાં એસેન્સ અને ફ્લેવર ભેળવી વિદેશી દારૂ તરીકે વેચાણનો પર્દાફાશ; 6,390 ખાલી બોટલો સહિત રૂ.80 હજારથી વધુનો મુદ્દામાલ જપ્ત
વાંકાનેર: મોરબી જિલ્લાના વાંકાનેર શહેરમાં નકલી વિદેશી દારૂ બનાવવાના ગેરકાયદેસર કારોબારનો પર્દાફાશ થયો છે. વાંકાનેર સિટી પોલીસે દરોડો પાડી દેશી દારૂમાં વિવિધ એસેન્સ અને ફ્લેવર ભેળવી તેને વિદેશી દારૂની બોટલોમાં ભરી વેચાણ કરવામાં આવતું હોવાનું બહાર લાવ્યું છે. પોલીસે સ્થળ પરથી 6,390 ખાલી બોટલો, 75 લિટર મિશ્રિત દેશી દારૂ, એસેન્સની બોટલો સહિત રૂ.80,200નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
આ કેસમાં પોલીસે જીગ્નેશ હર્ષદભાઈ કારીયા (ઉ.વ.38) નામના આરોપીની ધરપકડ કરી છે. પ્રાથમિક પૂછપરછ દરમિયાન આરોપીએ દારૂનો જથ્થો રાજકોટના બજરંગવાડી વિસ્તારમાં રહેતા સલીમ કાણીયા પાસેથી મેળવ્યો હોવાની કબૂલાત આપી હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું છે. તેના આધારે હવે રાજકોટના સલીમ કાણીયાને ઝડપી પાડવા માટે પોલીસે શોધખોળ શરૂ કરી છે.
પોલીસના જણાવ્યા મુજબ, વાંકાનેરના ગાયત્રી રોડ પર આવેલી વૃંદાવન સોસાયટીના એક મકાનમાં દેશી દારૂમાં એસેન્સ અને ફ્લેવર ભેળવી તેને વિદેશી દારૂ જેવો દેખાવ આપી બોટલોમાં ભરી બજારમાં વેચાણ કરવામાં આવતું હતું. દરોડા દરમિયાન દારૂ તૈયાર કરવા માટે ઉપયોગમાં લેવાતી સામગ્રી અને મોટી સંખ્યામાં ખાલી બોટલો પણ મળી આવી હતી.
નોંધનીય છે કે મોરબી જિલ્લામાં અગાઉ પણ નકલી દારૂ અને નકલી દવાઓના ગેરકાયદેસર કારોબારના કિસ્સાઓ સામે આવી ચૂક્યા છે. રફાળેશ્વર GIDC અને માળિયા વિસ્તારમાં પણ ડુપ્લિકેટ દારૂ બનાવવાની ફેક્ટરીઓ ઝડપાઈ હતી. હવે વાંકાનેરમાં થયેલી કાર્યવાહી બાદ પોલીસ સમગ્ર નેટવર્ક સુધી પહોંચવાના પ્રયાસમાં લાગી છે.
વાંકાનેર સિટી પોલીસે બંને આરોપીઓ સામે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. દારૂના સપ્લાય ચેઇન, અન્ય સંડોવાયેલા શખ્સો અને આ નકલી દારૂ ક્યાં-ક્યાં પહોંચાડવામાં આવતો હતો તે દિશામાં પણ તપાસ તેજ કરવામાં આવી છે.








