નાનામવા ફાયરિંગ-મર્ડર કેસમાં મોટો ખુલાસો: હત્યાના પ્રયાસની કલમ ઉમેરાઈ, હથિયાર સપ્લાયર ઝડપાયો

વિરમગામમાંથી દેશી પિસ્ટલ કબજે; અમદાવાદના મુખ્ય હથિયાર સપ્લાયરની શોધમાં ક્રાઇમ બ્રાન્ચ

રાજકોટ: નાનામવા વિસ્તારમાં બનેલા ચર્ચાસ્પદ ફાયરિંગ સાથેના હત્યા કેસમાં રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે તપાસનો વ્યાપ વધારી મહત્વપૂર્ણ કાર્યવાહી હાથ ધરી છે. તપાસ દરમિયાન **હત્યાના પ્રયાસ (એટેમ્પ્ટ ટુ મર્ડર)**ની કલમનો ઉમેરો કરવામાં આવ્યો છે. સાથે જ મુખ્ય આરોપી રણજીત વાળાને ગેરકાયદે હથિયાર સપ્લાય કરનાર વિરમગામના શિવરાજ ધાંધલની ધરપકડ કરી તેની વાડીમાંથી વધુ એક દેશી બનાવટની પિસ્ટલ પણ કબજે કરવામાં આવી છે.

તપાસમાં સામે આવ્યું છે કે 8 જુલાઈની રાત્રે નાનામવા ગામે સામાન્ય બોલાચાલીનો ખાર રાખી આરોપી રણજીત વાળા અને તેના બંને પુત્રોએ કૃષ્ણસિંહ જાડેજા તથા રહેન્દ્રસિંહ જાડેજા પર હુમલો કર્યો હતો. આ દરમિયાન રણજીત વાળાએ ગેરકાયદે હથિયારથી ફાયરિંગ કરતાં કૃષ્ણસિંહ જાડેજાનું મોત થયું હતું, જ્યારે રહેન્દ્રસિંહ જાડેજા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા.

આ બનાવ અંગે તાલુકા પોલીસ સ્ટેશનમાં હત્યા સહિતની ગંભીર કલમો હેઠળ ગુનો નોંધાયા બાદ તપાસ ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવી હતી. પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા સહિતના ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ પીઆઈ એમ.એલ. ડામોર અને તેમની ટીમે તપાસ આગળ વધારી હતી.

તપાસ દરમિયાન આરોપી રણજીત વાળા, તેનો પુત્ર રાજવીર અને એક સગીર આરોપીને ઝડપી લેવામાં આવ્યા હતા. પૂછપરછમાં એક મિસ ફાયર થયેલી ગોળીબારની ઘટના તેમજ હેડ કોન્સ્ટેબલ ગોપાલસિંહના પિતા પર થયેલા હુમલાને ધ્યાનમાં રાખીને ક્રાઇમ બ્રાન્ચે કેસમાં હત્યાના પ્રયાસની કલમ પણ ઉમેરતાં તપાસ વધુ મજબૂત બનાવી છે.

રિમાન્ડ દરમિયાન રણજીત વાળાએ ગેરકાયદે હથિયારો વિરમગામના શિવરાજ ધાંધલ અને તેના પિતા પાસેથી મેળવ્યાની કબૂલાત આપી હતી. તેના આધારે ક્રાઇમ બ્રાન્ચે વિરમગામમાં દરોડો પાડી શિવરાજ ધાંધલની ધરપકડ કરી અને તેની વાડીમાંથી વધુ એક દેશી પિસ્ટલ કબજે કરી હતી. આ મામલે વિરમગામ ટાઉન પોલીસ સ્ટેશનમાં અલગ ગુનો પણ નોંધવામાં આવ્યો છે.

પોલીસ તપાસમાં શિવરાજ ધાંધલ સામે અગાઉ વિરમગામ ટાઉન પોલીસ સ્ટેશનમાં મારામારી અને સરકારી ફરજમાં રૂકાવટનો તેમજ રાજકોટ જિલ્લાના જેતપુર પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધાયેલ હોવાની માહિતી પણ સામે આવી છે.

ક્રાઇમ બ્રાન્ચ હવે આ સમગ્ર નેટવર્કના મુખ્ય હથિયાર સપ્લાયર તરીકે સામે આવેલા અમદાવાદ પંથકના શખ્સને ઝડપી પાડવા માટે સઘન કાર્યવાહી ચલાવી રહી છે. કેસમાં હજુ વધુ મહત્વપૂર્ણ ખુલાસા થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

Leave a Comment

और पढ़ें