દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની જમાવટ: કપરાડામાં 4 ઇંચ વરસાદ, રાજ્યના 95 તાલુકામાં ઝાપટાથી મધ્યમ વરસાદ

ચોમાસું હજુ નબળું; ગુજરાતના 111 તાલુકામાં પાંચ ઇંચ વરસાદ પણ નહીં, ચાર તાલુકા આજે પણ કોરા

અમદાવાદ: ગુજરાતમાં ચોમાસું ધીમે ધીમે ફરી સક્રિય બનવાના સંકેતો વચ્ચે દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ સારી હાજરી નોંધાવી છે. રાજ્યના 25 જિલ્લાનાં 95 તાલુકામાં ઝાપટાથી લઈને મધ્યમ વરસાદ નોંધાયો છે, જ્યારે વલસાડના કપરાડામાં સૌથી વધુ 94 મીમી (લગભગ 4 ઇંચ) વરસાદ વરસ્યો હતો.

સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરના અહેવાલ મુજબ નવસારીના ખેરગામમાં 55 મીમી, સુરતના કામરેજમાં 54 મીમી, નાનપોંઢામાં 37 મીમી, પાલસાણામાં 36 મીમી, ધરમપુરમાં 27 મીમી અને બારડોલીમાં 25 મીમી વરસાદ નોંધાયો હતો. ભરૂચ, નર્મદા, તાપી અને ડાંગ જિલ્લામાં પણ અનેક વિસ્તારોમાં સારો વરસાદ વરસ્યો હતો.

મધ્ય ગુજરાતમાં આણંદ જિલ્લાના પેટલાદ અને સોજીત્રામાં આશરે 2 ઇંચ, જ્યારે પંચમહાલના ઘોઘંબા તેમજ વડોદરાના કરજણ અને સિનોર વિસ્તારમાં પણ નોંધપાત્ર વરસાદ નોંધાયો હતો. બીજી તરફ ઉત્તર ગુજરાતમાં વરસાદે વિરામ લીધો હતો, જ્યારે સૌરાષ્ટ્ર અને કચ્છના મોટા ભાગના વિસ્તારોમાં માત્ર ઝરમર વરસાદ નોંધાયો હતો.

રાજ્યમાં અત્યાર સુધી સરેરાશ 908.88 મીમી સામે માત્ર 236.44 મીમી વરસાદ નોંધાયો છે, જે સિઝનના સરેરાશ વરસાદના માત્ર 26.02 ટકા જેટલો છે. ઝોનવાર જોઈએ તો દક્ષિણ ગુજરાતમાં 36.71 ટકા, સૌરાષ્ટ્રમાં 28.89 ટકા, મધ્ય ગુજરાતમાં 18.68 ટકા, ઉત્તર ગુજરાતમાં 14.42 ટકા અને કચ્છમાં માત્ર 3.42 ટકા વરસાદ નોંધાયો છે.

ચોમાસાની અડધી સિઝન પૂર્ણ થવા આવી હોવા છતાં રાજ્યના ચાર તાલુકામાં હજુ સુધી વરસાદનો એક ટીપો પણ પડ્યો નથી, જ્યારે 26 તાલુકામાં બે ઇંચથી ઓછો અને 111 તાલુકામાં પાંચ ઇંચથી પણ ઓછો વરસાદ નોંધાયો છે. માત્ર પાંચ તાલુકામાં 40 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે.

વરસાદની સતત ખાધને કારણે ખેડૂતોમાં ચિંતા વધી રહી છે. ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં હજુ વાવણી પૂર્ણ થઈ શકી નથી, જ્યારે જ્યાં વાવણી થઈ છે ત્યાં પાકને તાત્કાલિક વરસાદની જરૂરિયાત છે. હવામાન નિષ્ણાતોના જણાવ્યા મુજબ અલ નીનોની અસરને કારણે ચોમાસું હજુ અસ્થિર રહેતાં આગામી દિવસોમાં વરસાદની સ્થિતિ પર સૌની નજર ટકેલી છે.

Leave a Comment

और पढ़ें