કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલે અધિકારીઓ સાથે યોજી સમીક્ષા બેઠક; નવસારીને મોટી ભેટની અટકળો
નવી દિલ્હી/નવસારી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી ઓગસ્ટ મહિનામાં ગુજરાતના પ્રવાસે આવે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. પ્રાથમિક માહિતી મુજબ વડાપ્રધાનનો કાર્યક્રમ નવસારી જિલ્લામાં યોજાય તેવી સંભાવના છે. જો આ પ્રવાસ નિશ્ચિત થશે તો તાજેતરમાં સાણંદ ખાતે સેમિકન્ડક્ટર પ્લાન્ટના ઉદ્ઘાટન બાદનો તેમનો ગુજરાતનો વધુ એક મહત્વપૂર્ણ પ્રવાસ બનશે.
વડાપ્રધાનના સંભવિત કાર્યક્રમને ધ્યાનમાં રાખીને નવસારીના સાંસદ તથા કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલે જિલ્લા કલેક્ટર અને વહીવટી તંત્રના અધિકારીઓ સાથે ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજી હતી. બેઠક દરમિયાન કાર્યક્રમને લઈને પ્રાથમિક આયોજન અને જરૂરી તૈયારીઓ અંગે ચર્ચા કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.
હાલ વડાપ્રધાનના કાર્યક્રમની સત્તાવાર વિગતો જાહેર કરવામાં આવી નથી. જોકે, પ્રવાસ દરમિયાન નવસારી જિલ્લાને વિકાસલક્ષી યોજનાઓ અથવા નવા પ્રોજેક્ટોની ભેટ મળવાની શક્યતાઓ અંગે ચર્ચાઓ ચાલી રહી છે.
વડાપ્રધાનના સંભવિત આગમનને ધ્યાનમાં રાખીને જિલ્લા ભાજપ તેમજ મહાનગર ભાજપ સંગઠન દ્વારા પણ કાર્યક્રમની પૂર્વ તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. સત્તાવાર કાર્યક્રમ જાહેર થયા બાદ સમગ્ર આયોજનને અંતિમ સ્વરૂપ આપવામાં આવશે.









