રહેણાંક મકાનમાંથી 3.056 કિલો ગાંજો, 91 દારૂની બોટલ અને ગોગો પેપર જપ્ત; સપ્લાયરોની શોધખોળ શરૂ
ભાણવડ: દેવભૂમિ દ્વારકા જિલ્લા એસ.ઓ.જી.ની ટીમે ભાણવડમાં સફળ કાર્યવાહી કરી એક યુવકને ગાંજો અને વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપી પાડ્યો છે. આરોપીના મકાનમાંથી રૂ.1.52 લાખથી વધુ કિંમતનો 3.056 કિલોગ્રામ ગાંજો, વિદેશી દારૂની 91 બોટલ તેમજ ગોગો પેપર જપ્ત કરવામાં આવ્યા છે.
જિલ્લા એસ.ઓ.જી.ના પીઆઈ વી.એ. રાણાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ વી.એન. સિંગરખીયા અને ડી.એ. વાળાની ટીમ ભાણવડ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી ત્યારે હુસેની ચોક વિસ્તારમાં રહેતા **રિઝવાન ઈસુબભાઈ અયુબભાઈ બ્લોચ (ઉ.વ.20)**ના રહેણાંક મકાન પર દરોડો પાડવામાં આવ્યો હતો.
તપાસ દરમિયાન પોલીસે રૂ.1,52,800ની કિંમતનો ગાંજાનો જથ્થો કબ્જે કર્યો હતો. પૂછપરછમાં આરોપીએ આ ગાંજો વિસનગરના તાજમહંમદ જાનમહંમદ ફકીર પાસેથી વેચાણ માટે મેળવ્યો હોવાનું કબૂલ્યું હતું. આ આધારે ભાણવડ પોલીસે એન.ડી.પી.એસ. એક્ટ હેઠળ ગુનો નોંધી સપ્લાયરને ઝડપી પાડવા માટે તપાસ શરૂ કરી છે.
દરોડા દરમિયાન આરોપીના મકાનમાંથી રૂ.34,857ની કિંમતની વિદેશી દારૂની 91 નાની-મોટી બોટલો પણ મળી આવી હતી. ઉપરાંત રૂ.330ની કિંમતના 22 ગોગો પેપર પણ જપ્ત કરવામાં આવ્યા હતા.
પ્રાથમિક પૂછપરછમાં આરોપીએ દારૂનો જથ્થો પોરબંદર જિલ્લાના હનુમાનગઢ ખાતે રહેતા ચના રબારી પાસેથી વેચાણ માટે મેળવ્યો હોવાનું જણાવ્યું હતું. આ મામલે ભાણવડ પોલીસે પ્રોહિબિશન એક્ટ સહિતની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી દારૂ સપ્લાય કરનાર શખ્સની શોધખોળ શરૂ કરી છે.
પોલીસ સમગ્ર નેટવર્ક, ગાંજો અને દારૂના સપ્લાય ચેઇન તેમજ અન્ય સંડોવાયેલા શખ્સો સુધી પહોંચવા માટે વધુ તપાસ આગળ ધપાવી રહી છે.









