સ્કાયરૂટ એરોસ્પેસ અને ઈસરોના સહયોગથી સર્જાયો નવો ઇતિહાસ; વડાપ્રધાન મોદીએ પાઠવી શુભેચ્છા
શ્રીહરિકોટા: ભારતના અવકાશ વિજ્ઞાન ક્ષેત્રે આજે વધુ એક ઐતિહાસિક સિદ્ધિ નોંધાઈ છે. દેશના પ્રથમ ખાનગી ઓર્બિટલ રોકેટ **’વિક્રમ-1’**નું આંધ્રપ્રદેશના શ્રીહરિકોટા સ્થિત લોન્ચ પેડ પરથી સફળતાપૂર્વક લોન્ચિંગ કરવામાં આવ્યું છે. આ સફળતા સાથે ભારતે ખાનગી અવકાશ ક્ષેત્રમાં નવા યુગમાં પ્રવેશ કર્યો છે.
આ મિશનને ‘મિશન આગમન’ નામ આપવામાં આવ્યું હતું. બપોરે 12:05 કલાકે રોકેટનું સફળ પ્રક્ષેપણ કરવામાં આવ્યું હતું. લોન્ચિંગ પ્રસંગે કેન્દ્રીય મંત્રી ડૉ. જીતેન્દ્ર સિંહ, ઈસરોના વરિષ્ઠ વૈજ્ઞાનિકો તેમજ સ્કાયરૂટ એરોસ્પેસના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
વિક્રમ-1ને ભારતના મહાન અવકાશ વૈજ્ઞાનિક ડૉ. વિક્રમ સારાભાઈના સન્માનમાં નામ આપવામાં આવ્યું છે. રોકેટને પૃથ્વીથી અંદાજે 450 કિલોમીટર ઊંચાઈની ભ્રમણકક્ષામાં પહોંચાડવાનું લક્ષ્ય નક્કી કરવામાં આવ્યું છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ ઐતિહાસિક સિદ્ધિ બદલ સ્કાયરૂટ એરોસ્પેસ અને સમગ્ર ટીમને અભિનંદન પાઠવતાં જણાવ્યું કે ભારતના સ્ટાર્ટઅપ અને અવકાશ ક્ષેત્ર માટે આ ગૌરવની ક્ષણ છે.
આ પ્રક્ષેપણ સાથે દેશમાં પ્રથમ વખત ઈસરો અને ભારતીય ખાનગી કંપનીના સહયોગથી ઓર્બિટલ રોકેટનું સફળ લોન્ચિંગ થયું છે. સફળ પ્રક્ષેપણ બાદ શ્રીહરિકોટા ખાતે વૈજ્ઞાનિકો અને ટીમના સભ્યોમાં ખુશીની લાગણી છવાઈ ગઈ હતી.
અવકાશ ક્ષેત્રમાં મળેલી આ સફળતા ભારતના સ્ટાર્ટઅપ ઈકોસિસ્ટમને નવી દિશા આપશે અને ભવિષ્યમાં ખાનગી ક્ષેત્રની ભાગીદારી સાથે વધુ અદ્યતન અવકાશ મિશનો માટે માર્ગ મોકળો કરશે.









