અમદાવાદને વિશ્વસ્તરીય રમતગમત કેન્દ્ર બનાવવાના હેતુથી મોટા પાયે ઈન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કરવામાં આવી રહ્યું છે. 2030ની કોમનવેલ્થ ગેમ્સને 2036 ઓલિમ્પિક્સ માટેનું ‘ડ્રેસ રિહર્સલ’ માનવામાં આવી રહ્યું છે. અમદાવાદમાં અત્યારથી જ રમતગમતના મેદાનો, ટ્રાન્સપોર્ટ, હોટેલ અને ખેલાડીઓના રહેઠાણ સહિતની સુવિધાઓ વિકસાવવાની કામગીરી ચાલી રહી છે.
નરેન્દ્ર મોદી સ્ટેડિયમની આસપાસ રૂ.5,050 કરોડના ખર્ચે સરદાર વલ્લભભાઈ પટેલ સ્પોર્ટ્સ એનક્લેવ તૈયાર થઈ રહ્યું છે. તેમાં એક્વાટિક્સ સેન્ટર, ટેનિસ સેન્ટર અને ઇન્ડોર એરેના સહિત વિશ્વસ્તરીય રમતગમત સુવિધાઓ ઊભી કરવામાં આવશે. અમદાવાદ અને ગાંધીનગરમાં મળીને 22 સ્પોર્ટ્સ વેન્યુ તૈયાર કરવાની યોજના છે.
ગાંધીનગરના કરાઈ ખાતે 50 હજાર દર્શકોની ક્ષમતાવાળું એથ્લેટિક્સ સ્ટેડિયમ અને શૂટિંગ સેન્ટર પણ તૈયાર થઈ રહ્યા છે. સમગ્ર સ્પોર્ટ્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડિસેમ્બર 2029 સુધીમાં પૂર્ણ કરવાનો લક્ષ્યાંક છે.
‘30 મિનિટ સિટી’થી ટ્રાફિકનું ભારણ ઘટશે
ગેમ્સ દરમિયાન ખેલાડીઓ અને દર્શકોને સરળતાથી એક સ્થળેથી બીજા સ્થળે પહોંચાડી શકાય તે માટે ‘30-મિનિટ સિટી’ મોડેલ અમલમાં મૂકવામાં આવશે. મેટ્રો, BRTS અને નિયો મેટ્રોને એકીકૃત કરવામાં આવશે.
આ ઉપરાંત રૂ.472 કરોડના ખર્ચે એકીકૃત QR આધારિત ટિકિટિંગ સિસ્ટમ ઊભી કરાશે. એક જ QR કોડથી મેટ્રો, BRTS અને 3,000 ઈલેક્ટ્રિક બસમાં મુસાફરી કરી શકાશે.
ખેલાડીઓ માટે વિશાળ વિલેજ
નરેન્દ્ર મોદી સ્ટેડિયમ નજીક આશરે 5 કિમી વિસ્તારમાં 2,191 એપાર્ટમેન્ટ્સ ધરાવતું પ્લેયર્સ વિલેજ બનાવવાની યોજના છે. અહીં 17,500થી વધુ ખેલાડીઓ માટે રહેવાની વ્યવસ્થા થઈ શકશે.
શહેરમાં હાલના 5,400 સ્ટાર-કેટેગરી રૂમને વધારીને 2030 સુધીમાં 40,000 રૂમ કરવાનો લક્ષ્યાંક છે. વધતી પ્રવાસી સંખ્યાને પહોંચી વળવા જરૂરિયાત મુજબ વડોદરા, સુરત અને ધોલેરાના એરપોર્ટનો પણ ઉપયોગ કરી શકાય છે.
ગ્રીન એનર્જી અને પર્યાવરણ પર ભાર
આયોજનમાં પર્યાવરણને પણ પ્રાથમિકતા આપવામાં આવી છે. રમતગમત સ્થળો પર રિન્યુએબલ એનર્જીનો ઉપયોગ, 100 ટકા વેસ્ટ વોટર રિસાયક્લિંગ અને બેટરી સ્ટોરેજ સિસ્ટમ જેવી વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવશે.
2030 કોમનવેલ્થ ગેમ્સના માધ્યમથી અમદાવાદ વિશ્વસ્તરીય રમતગમત આયોજનની ક્ષમતા સાબિત કરી 2036 ઓલિમ્પિક્સની યજમાની માટે પોતાને તૈયાર કરી રહ્યું છે.








