કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે CGHSને લઈને મહત્વપૂર્ણ ફેરફાર કરવામાં આવ્યો છે. નવા નિયમો હેઠળ વર્તમાન કેન્દ્રીય કર્મચારીઓ માટે રહેઠાણ અથવા પોસ્ટિંગના સ્થળને આધારે લાગુ પડતી ભૌગોલિક પાત્રતાની શરત દૂર કરવામાં આવી છે. આ ફેરફારથી અગાઉ ભૌગોલિક મર્યાદાના કારણે CGHSનો લાભ મેળવી ન શકતા પાત્ર કર્મચારીઓને યોજના પસંદ કરવાની તક મળશે.
નવા નિયમો મુજબ, પાત્ર કર્મચારીઓ અન્ય જરૂરી શરતો પૂરી કરીને અને નિર્ધારિત યોગદાન ચૂકવીને CGHSનો વિકલ્પ પસંદ કરી શકશે. જોકે, એકવાર કર્મચારી CGHSનો વિકલ્પ પસંદ કરશે ત્યારબાદ તેને બદલી શકાશે નહીં. આ ઉપરાંત, કર્મચારીએ અંડરટેકિંગ આપવું પડશે કે તે પોતે અથવા તેના પરિવારના સભ્યો CGHS તથા Central Services (Medical Attendance) Rules, 1944 હેઠળ એકસાથે બેવડા તબીબી લાભનો દાવો નહીં કરે.
જોકે, જે કર્મચારીઓ પહેલેથી જ CGHSના કવરેજ હેઠળ આવતા વિસ્તારમાં રહે છે અથવા ત્યાં ફરજ બજાવે છે, તેમના માટે CGHS કવરેજ ફરજિયાત રહેશે. આવા કર્મચારીઓને અન્ય વિકલ્પ પસંદ કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં.
સરકારે ખોટી અથવા ભ્રામક માહિતી આપીને તબીબી લાભ મેળવવાના પ્રયાસો સામે પણ કડક વલણ અપનાવ્યું છે. જો કોઈ કર્મચારી ખોટી માહિતી રજૂ કરીને લાભ મેળવતો હોવાનું જણાશે તો તેની સામે શિસ્તભંગની કાર્યવાહી થઈ શકે છે. સાથે જ ખોટી રીતે મેળવેલા તબીબી લાભની રકમની વસૂલાત પણ કરવામાં આવશે.
CGHS કેન્દ્ર સરકારના વર્તમાન તથા નિવૃત્ત કર્મચારીઓ અને તેમના પાત્ર પરિવારજનો માટેની મહત્વપૂર્ણ આરોગ્યસેવા યોજના છે. તેની શરૂઆત 1 જુલાઈ, 1954ના રોજ દિલ્હીમાં કરવામાં આવી હતી. સમય જતાં યોજનાનો વ્યાપ અનેક શહેરોમાં વધ્યો છે અને વેલનેસ સેન્ટર્સ, પોલીક્લિનિક્સ તથા એમ્પેનલ્ડ હોસ્પિટલો મારફતે લાભાર્થીઓને આરોગ્યસેવાઓ પૂરી પાડવામાં આવે છે.









