જામજોધપુરના ધોરીયા નેસમાંથી 15,600 બોટલ દારૂ ઝડપાયો, રૂ.44.40 લાખનો મુદ્દામાલ કબજે

જામજોધપુર : જામજોધપુર તાલુકાના ધોરીયા નેસની સીમમાંથી પોલીસે ભારતીય બનાવટના વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસની કાર્યવાહી દરમિયાન દારૂની 15,600 બોટલ, એક ટાટા ટ્રક અને ત્રણ મોટરસાયકલ સહિત કુલ રૂ.44.40 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો.

રાજકોટ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાય અને જામનગર જિલ્લા પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈનીની સૂચના તથા લાલપુર વિભાગના મદદનીશ પોલીસ અધિક્ષક પ્રતીભા આઈપીએસના માર્ગદર્શન હેઠળ જામજોધપુર પોલીસ સ્ટેશનના પીઆઈ એમ.એન. શેખની આગેવાનીમાં પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો.

દરમિયાન એએસઆઈ સુરેશભાઈ આર. પરમાર સહિતના સ્ટાફને બાતમી મળી હતી કે ધોરીયા નેસ ખાતે રહેતા નાથાભાઈ લાલાભાઈ મોરી, રાજુભાઈ ઉર્ફે બાઠીયો મોરી તથા તેમના સાગરીતો દ્વારા દારૂ ભરેલો ટ્રક લાવવામાં આવ્યો છે. ટ્રકમાંથી દારૂ ઉતારી તેનું કટીંગ કરી અન્યત્ર વેચાણ માટે મોકલવાની તૈયારી ચાલી રહી હોવાની માહિતીના આધારે પોલીસે સ્થળ પર દરોડો પાડ્યો હતો.

પોલીસના વાહનોની લાઈટ જોઈ સ્થળ પર હાજર શખ્સો નાસી છૂટ્યા હતા. પોલીસે સ્થળ પરથી ભારતીય બનાવટના વિદેશી દારૂની 15,600 ચપટી બોટલ, જેની કિંમત રૂ.23.40 લાખ, રૂ.20 લાખનો ટાટા ટ્રક તથા ત્રણ મોટરસાયકલ સહિત કુલ રૂ.44,40,500નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

આ અંગે પોલીસ કોન્સ્ટેબલ અશોકભાઈ બાબુભાઈ ગાગીયાએ ફરિયાદ નોંધાવતા પીઆઈ એમ.એન. શેખે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે મુખ્ય સૂત્રધાર નાથાભાઈ લાલાભાઈ મોરી અને રાજુભાઈ ઉર્ફે બાઠીયો મોરી સહિત ટ્રકના ચાલક, ત્રણ મોટરસાયકલ ચાલકો સહિત કુલ સાત આરોપીઓની શોધખોળ શરૂ કરી છે.

Leave a Comment

और पढ़ें