26 ઑક્ટોબરથી નવી વ્યવસ્થા અમલમાં આવશે; BFS દ્વારા વિઝા અરજીઓ સ્વીકારવાનું બંધ કરાશે
ચીને ભારતીય નાગરિકો માટેની વિઝા અરજી પ્રક્રિયામાં ફેરફાર કર્યો છે. નવી વ્યવસ્થા મુજબ 26 ઑક્ટોબરથી વિઝા સેવા આપતી કંપની BFS દ્વારા ચીનના વિઝા માટેની અરજીઓ સ્વીકારવામાં આવશે નહીં. દિલ્હી, મુંબઈ અને કોલકાતાનાં ચીની વિઝા અરજી કેન્દ્રો પણ નવી અરજીઓ સ્વીકારવાનું બંધ કરશે. ત્યારબાદ ચીનની નવી દિલ્હી સ્થિત એમ્બેસી અને મુંબઈ સ્થિત કોન્સ્યુલેટ જનરલ દ્વારા અરજીઓ સ્વીકારવામાં આવશે.
ગુજરાત સહિતનાં રાજ્યોની અરજીઓ દિલ્હીમાં સ્વીકારાશે
નવી વ્યવસ્થા હેઠળ રાજ્યવાર વિઝા અરજીની કામગીરી સોંપવામાં આવી છે. મહારાષ્ટ્ર અને કર્ણાટકના અરજદારોએ મુંબઈમાં અરજી કરવાની રહેશે. પશ્ચિમ બંગાળ, ઓડિશા, ઝારખંડ, બિહાર અને છત્તીસગઢની અરજીઓ હાલ કામચલાઉ ધોરણે નવી દિલ્હી સ્થિત કચેરીમાં સ્વીકારવામાં આવશે. જ્યારે ગુજરાત સહિત અન્ય રાજ્યોના અરજદારોએ નવી દિલ્હી સ્થિત ચીની એમ્બેસીમાં અરજી કરવાની રહેશે.
ઓનલાઈન મંજૂરી બાદ દસ્તાવેજો જમા કરાવવા પડશે
વિઝા માટે અરજદારે સૌપ્રથમ ઓનલાઈન ફોર્મ ભરીને મંજૂરી મેળવવાની રહેશે. ત્યારબાદ પાસપોર્ટ અને અન્ય જરૂરી દસ્તાવેજો રૂબરૂ જમા કરાવવાના રહેશે. ઓનલાઈન અરજી માટે કોઈ ચાર્જ લેવામાં આવશે નહીં. આ નવી વ્યવસ્થા માટેની ઓનલાઈન પ્રક્રિયા 23 ઑક્ટોબરે સાંજે 5 વાગ્યાથી શરૂ થવાની છે.
અગાઉ અરજી કરનારાઓ માટે સૂચના
જે અરજદારોએ અગાઉથી ફી ભરીને ઓનલાઈન અરજી જમા કરાવી દીધી છે, તેમની ફી પરત મળશે નહીં. તેમજ પ્રક્રિયા પૂર્ણ થયેલા પાસપોર્ટ 30 ઑક્ટોબરે બપોરે 12 વાગ્યા સુધીમાં મેળવી લેવાના રહેશે.








