જન્મદિન વિશેષ: શાસનના ‘સરદાર’ અને રાજનીતિના ‘ચાણક્ય’ – અમિત શાહ
“મારી ઓટ જોઈને કિનારે ઘર ના બાંધશો, હું દરિયો છું, ફરી પાછો જરૂર આવીશ.”
લગભગ દોઢ દાયકા પહેલાં અમિતભાઈ શાહે લખેલી આ પંક્તિઓ તેમની અડગ સંકલ્પશક્તિ, સંઘર્ષ અને પુનરાગમનના જુસ્સાનું પ્રતીક બની રહી છે. ભારતીય રાજકારણમાં તેમણે માત્ર આ જુસ્સો વ્યક્ત જ નથી કર્યો, પરંતુ તેને વાસ્તવિકતામાં પણ સાકાર કરી બતાવ્યો છે. ભારતીય જનતા પાર્ટીને વિશ્વના સૌથી મોટા રાજકીય પક્ષોમાં સ્થાન અપાવવામાં તેમનું યોગદાન નોંધપાત્ર રહ્યું છે. એક સ્વયંસેવકથી લઈને કાર્યકર્તા, સાંસદ અને દેશના કેન્દ્રીય ગૃહમંત્રી સુધીની તેમની સફર સંગઠનશક્તિ અને નેતૃત્વનું આગવું ઉદાહરણ છે.
આજે તેમના 62મા જન્મદિને ‘સાંજ સમાચાર’ તરફથી હાર્દિક શુભકામનાઓ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ દેશના શાસન અને નીતિગત નિર્ણયો લેવામાં અમિત શાહની ભૂમિકા મહત્ત્વપૂર્ણ રહી છે. સંગઠનાત્મક કુશળતા, રાજકીય વ્યૂહરચના અને કઠિન નિર્ણયો લેવાની ક્ષમતાને કારણે તેઓ ભારતીય રાજકારણમાં ‘ચાણક્ય’ તરીકે ઓળખાય છે.
ગુજરાતમાં નરેન્દ્ર મોદીના શાસનકાળથી લઈને રાષ્ટ્રીય સ્તરે ભાજપના વિસ્તરણ સુધી અમિતભાઈ શાહની ભૂમિકા નિર્ણાયક રહી છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે તેમણે પક્ષને વધુ સંગઠિત, કાર્યકર્તા આધારિત અને ચૂંટણીલક્ષી રીતે સક્ષમ બનાવ્યો. વર્ષ 2014માં ભાજપને પોતાના દમ પર પૂર્ણ બહુમતી મેળવવામાં તેમની સંગઠનાત્મક વ્યૂહરચનાએ મહત્ત્વનો ફાળો આપ્યો હતો. જોકે, તેમની રાજકીય સફરનો ઉદ્દેશ માત્ર સત્તા પ્રાપ્ત કરવાનો જ નહીં, પરંતુ પક્ષને મજબૂત બનાવી તેના માધ્યમથી દેશના વિકાસને વેગ આપવાનો પણ રહ્યો છે.
કેન્દ્રીય ગૃહમંત્રી તરીકેના તેમના પ્રથમ કાર્યકાળમાં જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370ની જોગવાઈઓ દૂર કરવાનો ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો. દાયકાઓથી પડકારરૂપ રહેલા આ મુદ્દે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મજબૂત સમર્થન સાથે અમિત શાહે નિર્ણાયક ભૂમિકા ભજવી. આ નિર્ણય પહેલાં કાશ્મીરમાં હિંસા વધવાની અનેક આશંકાઓ વ્યક્ત કરવામાં આવી હતી. જોકે, ત્યારબાદ સુરક્ષા અને આતંકવાદ સામેની કાર્યવાહી દેશના રાજકીય તથા સુરક્ષાકીય એજન્ડામાં કેન્દ્રસ્થાને રહી.
દેશની આંતરિક સુરક્ષાને મજબૂત બનાવવાના પ્રયાસોમાં નક્સલવાદ સામેની કાર્યવાહી પણ મહત્ત્વપૂર્ણ રહી છે. નક્સલી હિંસાને નાથવા માટે સુરક્ષા અભિયાનો, વિકાસલક્ષી પહેલ અને અસરકારક વહીવટી વ્યવસ્થાને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. આ ઉપરાંત, માદક પદાર્થોની હેરાફેરી અને ડ્રગ્સના દૂષણ સામેની કાર્યવાહી દ્વારા યુવા પેઢીને સુરક્ષિત રાખવાનો પ્રયાસ પણ સરકારની પ્રાથમિકતાઓમાં સામેલ છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની જોડીએ ભારતીય રાજકારણ અને શાસનવ્યવસ્થામાં એક આગવું સ્થાન મેળવ્યું છે. દેશની સુરક્ષા, રાષ્ટ્રીય એકતા અને વહીવટી સુધારાઓને લગતા કઠિન નિર્ણયો લેવામાં તેમની રાજકીય પ્રતિબદ્ધતા સ્પષ્ટ જોવા મળે છે. પડકારજનક પરિસ્થિતિઓમાં મક્કમ રહેવું અને લીધેલા નિર્ણયોના અમલ માટે સતત પ્રયત્નશીલ રહેવું તેમની કાર્યશૈલીની વિશેષતા ગણાય છે.
આ જન્મદિને અમિતભાઈ શાહને હાર્દિક શુભેચ્છાઓ કે તેઓ પોતાની દૃઢ સંકલ્પશક્તિ, નિર્ણયક્ષમતા અને અમલીકરણની પ્રતિબદ્ધતાના બળે દેશની વધુને વધુ સેવા કરતા રહે અને રાષ્ટ્રના વિકાસ તથા સુરક્ષામાં પોતાનું યોગદાન આપતા રહે.









