વડોદરામાં નિલેશ વણઝારા હત્યા કેસનો ભેદ ઉકેલાયો: રૂ. 30 લાખ અને બે મકાનની લાલચમાં હત્યાનું કાવતરું!

સોમાતળાવમાં ગરબા જોવા ગયેલા યુવક પર છરીથી જીવલેણ હુમલો; જૂની અદાવતનો બદલો લેવા હત્યા કરાવ્યાનો પોલીસનો દાવો, ચાર આરોપીઓ ઝડપાયા

વડોદરાના સોમાતળાવ વિસ્તારમાં સ્વાગત પાર્ટી પ્લોટ બહાર ગરબા જોવા ગયેલા 24 વર્ષીય નિલેશ વણઝારાની હત્યાના કેસમાં LCB ઝોન-3 અને કપુરાઈ પોલીસે ચાર આરોપીઓને ઝડપી પાડ્યા છે. પોલીસ તપાસમાં અગાઉની હત્યાની અદાવતને પગલે કાવતરું ઘડવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે. પોલીસના દાવા મુજબ, હત્યાને અંજામ આપવા માટે મુખ્ય આરોપીને રૂ. 30 લાખ અને બે મકાન આપવાની લાલચ આપવામાં આવી હતી.

માસ્ક પહેરીને આવેલા હુમલાખોરે છરીના ઘા ઝીંક્યા

19 ઓક્ટોબરની રાત્રે નિલેશ વણઝારા વણઝારા સમાજના ગરબા જોવા સ્વાગત પાર્ટી પ્લોટ ખાતે પહોંચ્યો હતો. રાત્રે આશરે 12:36 વાગ્યે તે પાર્ટી પ્લોટની બહાર મોટરસાઇકલ પાસે બેઠો હતો, ત્યારે માસ્ક પહેરીને આવેલા શખસે તેના પર ધારદાર હથિયારથી હુમલો કર્યો હતો. ગંભીર ઇજાઓના કારણે નિલેશનું મોત થયું હતું. બનાવ બાદ હુમલાખોર ફરાર થઈ ગયો હતો.

જૂની હત્યાની અદાવતમાં કાવતરું ઘડ્યાની આશંકા

પોલીસ તપાસમાં આશરે ત્રણ મહિના પહેલાં કિશનવાડી વિસ્તારમાં કૃત્રિમ તળાવ નજીક થયેલી હત્યાની ઘટના સાથે આ બનાવની કડી જોડાતી હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી છે. અગાઉની ઘટનાને લઈને અદાવત રાખી નિલેશની હત્યાનું આયોજન કરવામાં આવ્યું હોવાનો પોલીસનો દાવો છે.

હત્યાના બદલામાં રૂ. 30 લાખ અને બે મકાનની લાલચ

પોલીસના જણાવ્યા મુજબ, પુનમ અમરસિંહ વણઝારાને શરૂઆતમાં આર્થિક મદદ કરવામાં આવતી હતી. ત્યારબાદ નિલેશની હત્યા કરવાના બદલામાં રૂ. 30 લાખ અને બે મકાન આપવાની લાલચ આપવામાં આવી હતી. તપાસમાં એવો પણ ખુલાસો થયો છે કે નિલેશની અવરજવર પર નજર રાખવામાં આવતી હતી અને તે ગરબા જોવા સ્વાગત પાર્ટી પ્લોટ ખાતે આવવાનો હોવાથી હુમલાનું આયોજન કરાયું હતું.

100થી વધુ CCTV ફૂટેજ તપાસ્યા

હત્યાનો ભેદ ઉકેલવા પોલીસે ઘટનાસ્થળ અને આસપાસના 100થી વધુ CCTV કેમેરાનાં ફૂટેજ તપાસ્યાં હતાં. ટેકનિકલ તપાસ અને બાતમીદારોની મદદથી મુખ્ય આરોપી પુનમ સુધી પોલીસ પહોંચી હતી. તે મહિસાગર જિલ્લાના લુણાવાડા વિસ્તારની હદમાંથી ઝડપાયો હતો. પોલીસના જણાવ્યા અનુસાર, હત્યામાં વપરાયેલી છરી પણ કબજે કરવામાં આવી છે.

ચાર આરોપીઓની ધરપકડ, વધુ તપાસ ચાલુ

આ કેસમાં પુનમ અમરસિંહ વણઝારા (30), વિક્રમ ગોરધનભાઈ વણઝારા (42), સતિષ ઉર્ફે ગલ્લો મોહનભાઈ દેવીપૂજક (21) અને વિજયકુમાર ઉર્ફે વિજુ ઉર્ફે બ્રીજેશ દિનેશ વણઝારાની (19) ધરપકડ કરવામાં આવી છે. પોલીસ દ્વારા આરોપીઓ પાસેથી એક છરી અને બે મોબાઇલ ફોન કબજે કરવામાં આવ્યા છે. હાલ ચારેય આરોપીઓની ભૂમિકા અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

Leave a Comment

और पढ़ें